રાજસ્થાનના બાડમેરમાં બસ અને ટ્રેલર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.જ્યારે અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
અકસ્માત કારણે બસ અને ટ્રેલરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. જેમાં 12 લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા છે. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. બસમાં હજી પણ મુસાફરો ફસાયા હોવાની વાત જાણવા મળી રહી છે.
બસ બાલોતરાથી જોધપુર તરફ જઇ રહી હતી. આ દરમિયાન ભાંડિયાવાસ ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં 25 લોકો સવાર હોવાની વાત જાણવા મળી રહી છે.
કેટલાક લોકો બસના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા
બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં જ બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં સવાર કેટલાક લોકો બસના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 10 લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માત થવાને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે.
રોંન્ગ સાઈડથી આવી રહેલા ટ્રકે મારી ટક્કર
બસમાં સવાર એક મુસાફરે જણાવ્યુ હતું કે બસ 9:55 વાગે બાલાતોરાથી રવાના થઈ હતી. આ દરમિયાન સામેથી રોન્ગ સાઈડમાં આવી રહેલા એક ટ્રેલરે બસને જોરદાર ટક્કર માટી હતી. ત્યારબાદ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે થોડીક જ મીનિટોમાં આગે આખી બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને આગમાં બળીને બસ ખાખ થઈ ગઈ હતી. જો કે આ
દુર્ઘટનામાં બસમાંથી 10 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કર્યું
આ અકસ્માત બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, બાડમેરમાં સર્જાયેલ દુર્ઘટના બાબતે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરીને તેમને રાહત અને બચાવ કાર્યો બાબતના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.