ભારતના લક્ષદ્વિપ ટાપુઓ આજકાલ ચર્ચામાં છે. કેન્દ્ર સરકારે અહીંના કાયદાઓમાં ધરખમ ફેરફારો કર્યા બાદ સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધમાં જોડાયેલી મલયાલમ ફિલ્મોની અભિનેત્રી આયેશા સુલતાના પણ મૂળે આ ટાપુની રહેવાસી છે. જોકે ભાજપ વિરૂધ્ધ તે ગંભીર આક્ષેપ કરીને ફસાઈ છે. તેની સામે હવે રાજદ્રોહનો ગુનો દાખલ કરીને કારય્વાહી શરૂ કરાઈ છે.
લક્ષદ્વિપ ભાજપના અધ્યક્ષ અબ્દુલ ખાદરે પોલીસ મથકમાં એક્ટ્રેસ સામે નોંધાવેલી ફરિયાદમાં કહ્યુ હતુ કે, આયેશા સુલતાનાએ એક મલયાલમ ચેનલમાં ડિબેટ દરમિયાન લક્ષદ્વિપ ટાપુઓ અંગે ખોટી અફવા ફેલાવી હતી. આયેશાએ કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર લક્ષદ્વિપ ટાપુઓ પર કોરોનાનો પ્રસાર કરવા માટે બાયોલોજિકલ વેપનનો ઉપયોગ કરી રહી છે.
એ પછી હવે પોલીસે રાજદ્રોહની કલમ હેઠળ અભિનેત્રી સામે ગુનો નોંધ્યો છે. ભાજપના નેતાનો એવો પણ આરોપ છે કે, સુલતાને સરકારની દેશભક્તિ ઈમેજને ખડવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદ નોંધાવતા પહેલા ભાજપ દ્વારા સુલતાના સામે દેખાવો પણ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લક્ષદ્વિપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે સંખ્યાબંધ કાયદાઓમાં ફેરફાર કર્યા છે. જેના ભાગરૂપે અહીંયા બીફ ખાવા પર પ્રતિબંધ મુકાયો છે અને આલ્કોહોલને મુક્તિ આપવામાં આવી છે. જેની સામે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.