મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ઘણી ગંભીર જોવા મળી રહી છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. આ રાજ્યના વર્ધા, યવતમાલ અને ગઢચિરોલી જિલ્લામાં પૂરથી સેંકડો લોકો પ્રભાવિત થયા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ધા જિલ્લાના હિંગણઘાટના નિધા ગામ અને તેની આસપાસના ચાર-પાંચ ગામોના 400 લોકો સંગમ નદીમાં આવેલા પૂરમાં ફસાઈ ગયા છે. એનડીઆરએફની ટીમ એક્શનમાં છે અને બચાવ કામગીરી ચાલુ છે. પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં લઈ જવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે ગઢચિરોલીમાં પણ સ્થિતિ ગંભીર છે. સમગ્ર વિદર્ભ પ્રદેશમાં આ અઠવાડિયે 180 ટકાથી વધુ વરસાદ થયો છે. નદી, નાળા, પુલ, રસ્તાઓ પાણીની નીચે આવી ગયા છે. અહીં છેલ્લા આઠ-દસ દિવસમાં 482.4 મીમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતાં 42 ટકા વધુ છે.
નોંધનીય છે કે, વિદર્ભની ગોદાવરી, વૈનગંગા, ઇન્દ્રાવતી અને પ્રાણહિતા નદીઓમાં પૂર અને મુશળધાર વરસાદથી 40 ગામો પ્રભાવિત થયા છે. ગઢચિરોલી જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં બુધવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. મેડીગટ્ટા ડેમમાંથી પાણી છોડવાને કારણે સિરોંચામાં પુરની સ્થિતી છે. ગોદાવરી નદી અને ઈન્દ્રાવતી નદી ખતરાના નિશાનથી ઉપર વધી રહી છે. લક્ષ્મી બેરેજ (મેડીગટ્ટા)ના તમામ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 10 હજાર 606 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 35 મદદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.