ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ કોરોનાની રસીને લઇને એક ડરનો માહોલ છે. એવામાં એઇમ્સ દ્વારા એક મહત્વપૂર્ણ સ્ટડી જાહેર કરવામાં આવી છે. જેમાં દાવો કરાયો છે કે રસી લીધી હોય તેમનામાં કોરોનાને કારણે મોત થવાની શક્યતાઓ બહુ જ ઓછી છે.
એઇમ્સના સ્ટડીમાં દાવો કરાયો છે કે કોરોના રસી લઇ લીધી હોય અને પછી કોરોના થયો હોય તેનાથી કોઇનું પણ મોત નથી થયું. સાથે એવો પણ દાવો કરાયો છે કે રસી લીધા બાદ કોરોના થવાની શક્યતાઓ જરૂર રહેલી છે પણ મોતની શક્યતાઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ વર્ષે એપ્રીલ અને મે મહિનામાં કોરોનાનો કેર વધુ હતો, આ દરમિયાન જ જે આંકડા સામે આવ્યા તેના પર આ સ્ટડી હાથ ધરાઇ હતી. જે મુજબ છેલ્લા બે મહિનામાં કોરોના રસી લીધી હોય તેમના મોત થયા હોય તેવો કોઇ જ કેસ સામે નથી આવ્યો. એટલે કે જે લોકોએ રસી નથી લીધી તેમનામાં રસી લીધી હોય તેની સરખામણીએ મોતની શક્યતાઓ વધુ રહેલી છે.