Sat. Dec 21st, 2024

સરકારી પરીક્ષામાં વારંવાર નાપાસ થતા ગોંડલના યુવકે જીવન ટૂંકાવ્યું

છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવોમાં વધારો થયેલો જોઈ શકાય છે. જે અંતર્ગત વધુ એક આત્મહત્યાની ઘટના ગોંડલના કમરકોટડા ગામે પ્રકાશમાં આવી છે. જ્યાં એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નાપાસ થવાના કારણે ગળાફાંસો ખાઇને પોતાનું જીવ ટૂંકાવ્યુ છે. આ યુવાનનું નામ જયેશ જીવરાજભાઈ સરવૈયા છે, જેણે પોતાનું જીવન ટૂંકાવતા પહેલા પોતાના મનની વાતો એક નોટમાં ઉતારી છે. આ યુવાને અઢી પાનાની ભાવુક સ્યૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત નાપાસ થવું, એક્ઝામના કોઈ ઠેકાણા ન હોવા, તેમજ ચોક્કસ તારીખ ન હોવાથી ઊભા થયેલા ડિમોટિવેશનને આત્મત્યાનું કારણ ગણાવ્યું હતું. ત્યારે આ ઘટનાને કારણે હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

‘કોમ્પિટિટિવ એક્ઝામમાં નિષ્ફળતાએ તોડી નાખ્યો’

2019થી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા જયેશે સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘મને ખબર છે કે, મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ-3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પરંતુ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એમના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઈ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી, પરંતુ મહેનત ઓછી પડી કદાચ.’ આમ હાલ તો આ યુવાને આત્મહત્યા કરી લેતા તેનું બિનસચિવાલયની પરીક્ષાનું ડ્રીમ હતું જે અધૂરું રહી ગયું. આ ઉપરાંત ફોરેસ્ટ, ક્લાર્ક, તલાટી, જુનિયર ક્લાર્ક જેવી અનેક પરિક્ષાઓમાં નિષ્ફળતા મળતાં તે હતાશ થયો હતો અને અંતે તેણે આ પગલું ભર્યું હતું.

આ સાથે જ તેણે પોતાના પરિવારજનો માટે સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પૂરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડીને હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂકવવા વગર જઈ રહ્યો છું. ‘I am sorry.’ પણ હવે મારામાં જરાય જીવવાની ઈચ્છા નથી, એકદમ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, ‘I am sorry.’ પપ્પા, મમ્મી, બહેન, ભાઇ’

‘મારી આ બે ઈચ્છાઓ પૂરી કરજો’

જયેશે સ્યૂસાઇડ નોટમાં પોતાની છેલ્લી બે ઇચ્છા પણ જણાવી હતી કે, તેણે પોતાની ઈચ્છા જણાવતા કહ્યું હતું કે, મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવું જીવન મળી શકે. આ સાથે જ તેણે લખ્યું છે કે, મૃત્યુ પછી થતી બધી ક્રિયાઓને હું વ્યર્થ માનું છુ તો મારી પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં નહીં આવે અને તેના બદલે 25-50 વૃક્ષો વાવી દેજો. મારે વૃક્ષ વાવવાના હતા પણ હું નથી વાવી શક્યો, મારી આ બે ઈચ્છાઓ છે, જે પૂરી કરજો.

‘ભગતસિંહ કે ભગવાન મને માફ નહીં કરે’

જયેશે સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, ભગતસિંહ કે ભગવાન બંનેમાંથી તેને કોઇ માફ નહી કરે આમ કહીને તેણે જીવન ટુંકાવ્યું હતું. તેણે લખ્યું હતું કે ‘અફસોસ એ છે કે એક સમયે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે દેશ માટે ફાંસી પર લટક્યા હતા અને હું મારી જિંદગીથી ભાગીને-કંટાળીને આ પગલું ભરી રહ્યો છું, ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહી કરે.’

યુવકના આપઘાતથી સમગ્ર પંથકમાં ચકચાર

યુવક દ્વારા આ રીતે આપઘાત કરી લેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા ઘણા સમયથી કોમ્પિટીટીવ એક્ઝામને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ક્યારેક એક્ઝામમાં ગેરરીતિ સામે આવે છે, તો ક્યારેક એક્ઝામ નક્કી થયેલા સમય કરતા વહેલી કે મોડી યોજાય છે, અને આ તમામ પાસાઓની અસર સીધી વિદ્યાર્થીના મગજ પર થતી હોય છે, અને યુવાનો કે જેઓ આ પરીક્ષામાં આગળ વધવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાડીને મહેનત કરતા હોય છે અને તેમાં નિષ્ફળ જતાં નાસિપાસ થઈને અંતે આવું પગલું ભરતા હોય છે. જો કે દરેક સમસ્યાઓનું કોઈને કોઈ નિરાકરણ હોય જ છે. આ રીતે જીવન ટૂંકાવવું એ કોઈ છેલ્લો વિકલ્પ તો નથી જ.

Related Post

Verified by MonsterInsights