Mon. Dec 23rd, 2024

સાઈક્લોન ગુલાબ live: આંધ્ર પ્રદેશના તટ પર ટકરાયું, શ્રીકાકુલમના સમુદ્ર કિનારે નાવ ડૂબી;5 માછીમારો ગુમ

ચક્રવાતી તોફાન ગુલાબ આંધ્ર પ્રદેશના તટ પ્રદેશને સાંજે લગભગ 7 વાગે ટકરાયું છે. આ સાથે જ આંધ્રના શ્રીકાકુલમમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. અહી એક નાવ તોફાનમાં છપડાઈ ગઈ છે. આ ઘટના બાદ 5 માછીમારો ગૂમ થઈ ગયા છે. પોલીસ તેમને શોધવાના પ્રયત્ન કરી રહી છે. આ માછીમારો સાંજે નાવ પર પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ ચક્રવાતની ઝપટમાં આવી ગયા હતા.

1600 લોકોનું સ્થળાંતર કરાયું
હવામાન વિભાગે આંધ્રપ્રદેશના ઉત્તરીય ભાગો અને ઓરિસ્સાના દક્ષિણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગની ચેતવણી બાદ બંને રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ છે. ઓડિશામાં NDRFની 24 ટીમો, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 42 ટીમો તૈનાત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 1600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

6 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
આ અગાઉ રવિવારે સાંજે ઉત્તરી આંધ્રપ્રદેશ (વિશાખાપટ્ટનમ) અને દક્ષિણ ઓડિશા (ગોપાલપુર) વચ્ચે કલિંગપટ્ટનમ નજીકના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પવનની ઝડપ 75 કિમી પ્રતિ કલાકથી 85 કિમી પ્રતિ કલાકની વચ્ચે છે. વાવાઝોડું તીવ્ર બનતાં પવનની ઝડપ 95 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે. આ વાવાઝોડું પશ્ચિમ તરફ દક્ષિણ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં આગળ વધતું રહેશે. રવિવારથી મંગળવાર સવાર સુધી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાને પાકિસ્તાને ગુલાબ નામ આપ્યું છે. આને બોલવાની સાચી રીત ગુલ-આબ બતાવામાં આવ્યું છે. આ નામ યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર ધ વર્લ્ડ હવામાન સંસ્થાન/એશિયા-પેસિફિક દ્વારા બનાવવામાં આવેલી સૂચિ અને ચક્રવાતી વાવાઝોડા પરની પેનલમાંથી લેવામાં આવ્યું છે. આ પેનલમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, શ્રીલંકા સહિત 13 દેશો નો સમાવેશ થાય છે જે આ વિસ્તારમાં વાવાઝોડાના નામ પસંદ કરે છે.

Related Post

Verified by MonsterInsights