હરિયાણા: બહાદુરગઢમાં આજે સવારના પોરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, પૂરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે મહિલા ખેડૂત પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 3 આધેડ મહિલાઓનો મોત થયો છે અને અન્ય 3 લોકોની સ્થિતિ ગંભીર છે.
JANTANEWS360ને મળેલી માહિતી મુજબ આજે સવારે 6:30 વાગ્યાના સમયે ઝજ્જર રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. કેટલીક આધેડ મહિલાઓ ડિવાઈડર પર બેઠેલી હતી તે સમયે અચાનક જ એક ટ્રક તેમના પર ફરી વળ્યો હતો. જ્રના કારણે બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક મહિલાએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ સિવાય અન્ય 3 મહિલાઓની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
મહત્વનું છે કે આ મહિલાઓ ખેડૂત આંદોલનમાં સામેલ હતી અને મૃતક મહિલાઓ પંજાબના માનસા જિલ્લાની રહેવાસી હતી. બધી મહિલાઓ વહેલી સવારે ઘરે જવા માટે ઓટોની રાહ જોતાં ડિવાઈડર પર બેઠા હતા તે સમયે ઝજ્જર રોડ પર ફ્લાઈઓવરની નીચે ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટના બાદ તે વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો છે.
હકીકતે કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ વિરૂદ્ધ નવેમ્બર 2020થી દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. મૃતક મહિલાઓ પણ આ આંદોલન સાથે સંકળાયેલી હતી. તેઓ રોટેશન અંતર્ગત પોતાના ઘરે જઈ રહી હતી પરંતુ અકસ્માતનો ભોગ બની હતી.