અમદાવાદ: 1લી ઓક્ટોબરથી ઘણા નવા ફેરફારો જોવા મળશે. ઓક્ટોબરની શરૂઆત સાથે બેંક અને પગાર સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારો સામાન્ય માણસના જીવન સાથે સંબંધિત છે. જેમાં બેન્કિંગના નિયમોથી લઈને LPG Price માં ઘણા ફેરફારનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કયા કયા ફેરફારો થવા જઈ રહ્યા છે.
પેન્શન નિયમોમાં ફેરફાર થશે
1 ઓક્ટોબરથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સંબંધિત નિયમો બદલાઇ રહ્યા છે. હવે દેશના તમામ વૃદ્ધ પેન્શનરો કે જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે તેઓ દેશની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોના જીવન પ્રમાણ કેન્દ્રમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ રજૂ કરી શકશે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાનું કામ પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ થવાનું છે. તેથી ભારતીય ટપાલ વિભાગે જીવન પ્રમાણ કેન્દ્રનું ID બંધ હોય તો સમયસર એક્ટિવ કરી તેની ખાતરી કરવા જણાવ્યું છે.
જૂની ચેકબુક ચાલશે નહીં
1 ઓક્ટોબરથી ત્રણ બેન્કોની ચેકબુક અને MICR કોડ અમાન્ય થઈ જશે. આ બેન્કો ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC), યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેન્ક છે. તમને જણાવી દઈએ કે આ બેન્કો એવી છે જે તાજેતરમાં અન્ય બેંકોમાં મર્જ થઈ છે. બેંકોના વિલીનીકરણને કારણે 1 ઓક્ટોબર, 2021 થી ખાતાધારકોના ખાતા નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે બેન્કિંગ સિસ્ટમ જૂનો ચેક ફગાવી દેશે. આ બેંકોની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે.
ઓટો ડેબિટ કાર્ડના નિયમો બદલાશે
તમારા ક્રેડિટ / ડેબિટ કાર્ડમાંથી ઓટો ડેબિટ માટે 1 ઓક્ટોબરથી RBI દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અથવા મોબાઇલ વોલેટ્સમાંથી ઓટો ડેબિટ ગ્રાહક તેની મંજૂરી ન આપે ત્યાં સુધી નહીં થાય. નવા એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન નિયમ મુજબ નિયમ 1 ઓક્ટોબર, 2021 થી લાગુ થશે. બેંકમાં કોઈપણ ઓટો ડેબિટ માટે ગ્રાહકને 24 કલાક અગાઉથી નોટિફિકેશન મોકલવું પડશે જેથી પેમેન્ટ દ્વારા એકાઉન્ટ ડેબિટ કરી શકાય. ગ્રાહકોના ખાતામાંથી પૈસા ત્યારે જ ડેબિટ થશે જ્યારે તે તેનું કન્ફર્મેશ અપાશે. તમે આ સૂચના SMS અથવા E-mail દ્વારા મેળવી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત નિયમો બદલાશે
બજારના નિયામક સેબી (SEBI) હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને એક નવો નિયમ લાવ્યો છે. આ નિયમ એસેટ અંડર મેનેજમેન્ટ (AMC) એટલે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જુનિયર કર્મચારીઓને લાગુ પડશે. મેનેજમેન્ટ કંપનીઓ હેઠળની સંપત્તિના જુનિયર કર્મચારીઓએ 1 ઓક્ટોબર, 2021 થી તે મ્યુચ્યુઅલ ફંડના એકમોમાં તેમના કુલ પગારના 10 ટકા રોકાણ કરવું પડશે. જ્યારે 1 ઓક્ટોબર 2023 સુધીમાં તબક્કાવાર તે પગારના 20 ટકા હશે. સેબીએ તેને સ્કિન ઇન ધ ગેમ નિયમ કહ્યો છે. રોકાણનો લોક-ઇન પીરિયડ પણ હશે.
એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે
1 ઓક્ટોબરથી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરવામાં આવે છે.