વુહાન અને સુઝોઉમાં આંધીએ હાહાકાર મચાવ્યો હતો. આ તોફાનમાં ૧૨ લોકોનાં મોત થયા હતા. ૩૦૦ જેટલાં લોકોને ઈજા પહોંચી હતી. સુઝોઉમાં તોફાની પવન ત્રાટકતાં ૧૭ ફેક્ટરીઓમાં ભારે વિનાશ વેરાયો હતો. સુઝોઉમાં ૮૪ મકાનો તૂટી પડયા હતા. શહેરના ઘણાં વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી અને અસંખ્ય વૃક્ષો ધરાસાઈ થઈ ગયા હતા.
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ પ્રમાણે કેટલીય બાંધકામ સાઈટોમાં નુકસાન થયું હતું. તોફાન ત્રાટકે તેવી કોઈ શક્યતા ન હતી. અચાનક આંધી ઉઠી હતી અને ભારે વિનાશ વેર્યો હતો. ૨૩ મીટર પ્રતિસેકન્ડની ઝડપે પવન ફૂંકાયો હતો. આટલી તીવ્રતાથી ફૂંકાયેલા પવન સામે શહેરોમાં વૃક્ષો ઝીંક ઝીલી શક્યા ન હતા. રસ્તામાં ઠેર-ઠેર વૃક્ષો ધરાસાઈ થતાં જોવા મળતા હતા.
તોફાનનું જોર ઓછું થયું પછી સ્થાનિક તંત્રએ વીજળીની ફરિયાદો નિવારવા માટેના પ્રયાસો શરૃ કર્યા હતા. એ જ રીતે ઠેર-ઠેર પડી ગયેલા વૃક્ષોને ઉપાડીને રસ્તા ફરીથી ચાલુ કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.
ચક્રાવાતે બે શહેરોમાં હાહાકાર મચાવી દીધો છે. વુહાન અને સુઝોઉમાં ત્રાટકેલાં તોફાને ૧૨નો જીવ લીધો છે અને ૩૦૦ લોકો ઘાયલ થયા છે. અસંખ્ય મકાનો તૂટી પડયા છે. બંને શહેરોમાં હજારો ઘરોમાં અંધારપટ્ટ છવાઈ ગયો છે.
વુહાનમાં ભયાનક આંધીથી ૨૭ મકાનો તૂટી પડયા હતા. ૧૩૦ ઈમારતોને ભારે નુકસાની ખમવી પડી હતી. વુહાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૨૭ હજાર ઘરોમાં અંધારપટ્ટ થઈ જતાં હજારો લોકોએ અંધારામાં રાત પસાર કરવી પડી હતી.