Fri. Oct 18th, 2024

ઓક્સિજન અછતથી ગોવામાં વધુ 8 દર્દીઓના મોત, 5 દિવસમાં કુલ 83 દર્દીઓએ જીવ ગુમાવ્યા

ઓક્સિજનની અછતના કારણે ગોવામાં કોરોનાના દર્દીઓના મોત થવાનો સિલસિલો હજી પણ ચાલુ જ રહયો છે.શનિવારે અહીંયા આઠ વધુ કોરોના દર્દીઓ ઓક્સિજનના અભાવે મોતને ભેટયા હતા.કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન વગર ગોવાની મેડિકલ કોલેજમાં 83 દર્દીઓના મોત થયા છે અને આ મામલે ગોવા સરકાર પર હવે ભારે માછલા ધોવાઈ રહ્યા છે.સૌથી વધારે મોત રાત્રે બે વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે થયા છે.

 

બીજી તરફ ગોવોના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ હતુ કે, હોસ્પિટલમાં જે દર્દીઓને લાવવામાં આવે છે તે ગંભીર હાલતમાં પહેલેથી જ હોય છે.એના કારણે તેમના મોત થઈ રહ્યા છે .રાજ્યમાં ઓક્સિજનનો સપ્લાય પૂરતો છે અને વિપક્ષ ખોટા આક્ષેપ કરી રહ્યુ છે.

 

જોકે વિપક્ષ પીછેહઠ કરવા તૈયાર નથી.તેમણે આ માટે ગોવાની સરકારને જવાબદાર ઠેરવી છે અને મુખ્યમંત્રી સાવંત રાજીનામુ આપે તેવી માંગણી કરી છે.દરમિયાન હોસ્પિટલનુ કહેવુ છે કે, મોટાભાગના દર્દીઓના મોત ઓક્સિજનની અછતથી નહીં પણ કોરોનાના કારણે થયેલા ન્યૂમોનિયાના કારણે થયા છે.તેને ઓક્સિજન સંકટ સાથે જોડીને જોઈ શકાય નહીં.

 

ગોવામાં પોઝિટિવિટી રેટ 42 ટકા છે.છેલ્લા 24 કલાકમાં અહીંયા 58 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.આ પૈકી 33 મોત ગોવા મેડિકલ કોલેજમાં થયા છે.કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોના મત થઈ ચુકયા છે.ગોવાનો પોઝિટિવિટી રેટ તમામ રાજ્યો કરતા વધારે છે.

 

બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે રાજ્ય સરકારની બેકાબૂ થઈ રહેલી સ્થિતિ માટે આકરી ઝાટકણી કાઢી છે અને સરકારને સવાલ પૂછ્યો છે કે, આખરે સરકાર કોરોનાના કેસ કાબૂમાં કેમ નથી લઈ શકતી ..હાઈકોર્ટની ટીકા બાદ સરકારે 23000 લિટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટની શરુઆત કરી છે.

Related Post

Verified by MonsterInsights