નુપુર શર્માની અરજી પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે. નુપુર શર્માની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી તે જ દિવસે થશે. જયા નૂપુર સામે FIR થયેલી છે તેના માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ પણ જારી કરી છે. કોર્ટમાં નૂપુર શર્માના વકીલે કહ્યું કે નુપુરને સતત ધમકીઓ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અલ્ટ ન્યૂઝને પત્રકાર મોહમ્મદ ઝૂબૈરને પણ રાહત મળી છે. તેમણે જ નુપુર શર્માનો પયંગબર પર નિવેદનનો વીડિયો વાયરલ કર્યો હતો.
જુદા જુદા રાજ્યોમાં 9 FIRનો સામનો કરી રહેલી નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણી માટે ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવી હતી. પોતાની અરજીમાં નૂપુરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની કમેન્ટ બાદ તેના જીવ પર ખતરો વધી ગયો છે. નૂપુરે કોર્ટ પાસે ધરપકડ પર પ્રતિબંધ મૂકવાની સાથે સાથે તમામ FIRને દિલ્હી ટ્રાન્સફર કરવાની અને તેમની સાથે મળીને સુનાવણી કરવાની માંગ કરી હતી.
કોર્ટે પોતાના આદેશમાં નૂપુર શર્માના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો છે. કોલકાતા પોલીસે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે, જેના કારણે તેમને ધરપકડનો ડર છે. સુનાવણી દરમિયાન, વકીલ મનિન્દર સિંહે કહ્યું કે અરજી કરનારના જીવને જોખમ સાથે સંબંધિત બે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે આ મામલા 1 જુલાઈ પછી સામે આવ્યા છે. સિંહે જવાબ આપ્યો કે જીવનું જોખમ ચાલુ છે. અરજદારે કહ્યું કે FIR રદ કરાવવા માટે દરેક જગ્યાએ જઈને તેના જીવ પર મોટો ખતરો છે. તેના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે અમે કરેક્ટ કરી રહ્યા છે.અમારો ઇરાદો ન હતો કે તમારે દરેક જગ્યાએ જવું પડે.
વકીલે કહ્યું કે હું તમને વિનંતી કરું છું. આ ખતરો વાસ્તવિક છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે શું તમે તમારી પસંદગીની જગ્યાએ જ જવા ઇચ્છો છો? સિંહે કહ્યું કે પહેલી FIR દિલ્હીમાં નોંધવામાં આવી હતી.
જ્યાં પણ પ્રથમ FIR નોંધવામાં આવે છે, ત્યાં તમામ કેસની સુનાવણી થઈ શકે છે. જસ્ટિસ કાંતે કહ્યું કે શું તમે દિલ્હી હાઈકોર્ટમાં જવાનું પસંદ કરશો? સિંહે હા જવાબ આપ્યો. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આગામી સુનાવણી દરમિયાન, નુપુર શર્મા વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. નુપુરની અરજી પર વધુ સુનાવણી 10 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.