કેરળ રાજ્યમાં વધુ એક મંકીપોકસના કેસની પુષ્ટિ થયા બાદ અત્યાર સુધીમાં ત્રણ કેસની પુષ્ટિ થઈ છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્ગે આ જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, 35 વર્ષીય વ્યક્તિ આ મહિને સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કરીને કેરળ પરત ફર્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દર્દી મલ્લપુરમનો રહેવાસી છે, જે 6 જુલાઈના રોજ વિદેશ પ્રવાસેથી પરત આવ્યો હતો. આ દર્દીની મંજેરી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે અને તે સ્થિર છે. કેરળમાં કોલ્લમમાં સૌપ્રથમ એક દર્દીની ઓળખ કરવામાં આવી હતી, જે 12 જુલાઈના રોજ યુએઈની મુસાફરી કરીને પરત ફર્યો હતો. તેના સેમ્પલ NIV પૂણેમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં તે મંકીપોક્સ માટે પોઝિટિવ જણાયો હતો.
નોંધનીય છે કે, દેશમાં આ પહેલા મંકીપોક્સના બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે સૂચના જાહેર કરીને જણાવ્યું હતું કે એરપોર્ટ અને બંદરો પર વિદેશથી આવતા તમામ મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને નજીકથી દેખરેખ રાખવામાં આવે. આ માટે, કેન્દ્રએ રાજ્ય સરકારોને એરપોર્ટ પર મુસાફરોની આરોગ્ય તપાસ પર કડક નજર રાખવા માટે પણ સૂચના આપી છે. અત્યાર સુધી વિશ્વના 27 દેશોમાં મંકીપોક્સના કેસ મળી આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, મંકીપોક્સ એ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાયેલ વાયરસ છે. મંકીપોક્સના લક્ષણો શીતળાના દર્દીઓમાં જોવા મળતા લક્ષણો જેવા જ છે. જોકે તેનો ચેપ તબીબી રીતે ઓછો ગંભીર છે.