Bank Privatisation : નીતિ આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ પર સચિવોની કોર કમિટીને ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા અંતર્ગત વર્તમાન નાણાકીય વર્ષમાં ખાનગીકરણ માટેની જાહેર ક્ષેત્રની બેંકોના નામ રજૂ કર્યા છે.
નીતિ આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ પર સચિવોની કોર કમિટીને ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા અંતર્ગત વર્તમાન નાણાકીય વર્ષમાં ખાનગીકરણ માટેની જાહેર ક્ષેત્રની બેંકોના નામ રજૂ કર્યા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ માહિતી જાહેર કરી છે. નીતિ આયોગને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક વીમા કંપનીનાં નામ પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાનગીકરણને લગતી જાહેરાત નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે અમે સચિવોના ડિસઇન્વેસ્ટમેન્ટ પરની કોર કમિટીમાં (PSU Banks) નામો રજૂ કર્યા છે. મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાનગીકરણ માટેની આ યાદીમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકના નામ ટોચ પર છે. ઉચ્ચ કક્ષાના સમિતિના અન્ય સભ્યોમાં આર્થિક બાબતોના સચિવ, મહેસૂલ સચિવ, ખર્ચ સચિવ, કોર્પોરેટ બાબતોના સચિવ, કાયદાકીય બાબતોના સચિવ, જાહેર ઉપક્રમ સચિવ, રોકાણ અને જાહેર સંપત્તિ મેનેજમેન્ટ વિભાગ સચિવ અને વહીવટી વિભાગ સચિવનો સમાવેશ થાય છે.
એક વીમા કંપની અને બે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે
કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી કોર કમિટીની મંજૂરી બાદ નામો મંજૂરી માટે પ્રથમ વૈકલ્પિક મિકેનિઝમ સમક્ષ અને અંતિમ મંજૂરી માટે વડા પ્રધાનની આગેવાની હેઠળના કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. કેબિનેટની મંજૂરી પછી ખાનગીકરણની પ્રક્રિયામાં મદદ માટે નિયમનકારી ફેરફાર રજૂ કરવામાં આવશે. સરકારે બે બેંકો અને એક વીમા કંપનીનો સમાવેશ કરીને તેનો હિસ્સો વેચીને બજેટમાં રૂ 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.
બજેટમાં ખાનગીકરણની ઘોષણા કરવામાં આવી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે તાજેતરમાં જ કહ્યું હતું કે, ” જે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે તે બેંકોના કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે. ભલે તે તેમના પગાર અથવા પેન્શન અંગે હોય, દરેકની સંભાળ લેવામાં આવશે.” ખાનગીકરણ પાછળના તર્ક અંગે તેમણે કહ્યું કે દેશમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી મોટી બેંકોની જરૂર છે.