કેન્દ્ર સરકારે પેક્ડ અને લેબલવાળા દૂધ, દહીં, કઠોળ, લોટ જેવી રોજિંદા વસ્તુઓ પર 5 ટકા GST લાગૂ કર્યો છે. આ ઉત્પાદનો પર GST શા માટે લાદવામાં આવ્યો? તે વાતનો ખુલાસો નાણામંત્રી નિર્મલા સીતારમને એક પછી એક સતત 14 ટ્વિટમાં આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમને તેમના 14 ટ્વીટ્સમાં આવશ્યક અનાજની યાદી પોસ્ટ કરી છે અને તેના પર GST ન લગવાયો હોવાની માહિતી શેર કરી છે. નાણામંત્રીએ લખ્યું છે કે, આ ખાદ્યપદાર્થો ખુલ્લામાં વેચવામાં આવશે તો તેના પર કોઈ GST ચાર્જ લાગશે નહીં. આમાં કઠોળ, ઘઉં, રાઈ, ઓટ્સ, મકાઈ, ચોખા, લોટ, સોજી, ચણાનો લોટ, દહીં અને લસ્સી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
ત્યારબાદ સીતારમને આગળના ટ્વીટમાં કહ્યું કે, ખાદ્ય ચીજો પર ટેક્સ લગાવવો નવી વાત નથી. માત્ર પંજાબે ખાદ્યપદાર્થો પર 2000 કરોડથી વધુની આવક કરવેરા તરીકે એકત્રિત કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશે 700 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. નાણામંત્રીએ ત્યારબાદના ટ્વીટમાં કહ્યું કે, રાજ્યો દ્વારા એકત્રિત કરવામાં આવનાર ટેક્સને ધ્યાનમાં રાખીને જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે બ્રાન્ડેડ અનાજ, કઠોળ, લોટ પર 5 ટકાનો GST દર લાગુ કરવામાં આવ્યો હતો.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે, GST કાઉન્સિલના પ્રધાનોના જૂથ (GoM)એ આ નિર્ણય લીધો છે. આ સમૂહમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કેરળ, ઉત્તર પ્રદેશ, ગોવા અને બિહારના સભ્યોનો સમાવેશ થાય છે અને તેની અધ્યક્ષતા કર્ણાટકના મુખ્યમંત્રીએ કરી હતી. નાણામંત્રીએ 14 ટ્વિટમાં કહ્યું કે, ટેક્સ લીકેજને રોકવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાબતે સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ સભ્યોની સંપૂર્ણ સંમતિ બાદ GST કાઉન્સિલે તેની ભલામણ કરી હતી.