આઈસીસી ટી20 ટીમ ઓફ ધ યરમાં એક પણ ભારતીય ક્રિકેટર સામેલ ન હતો અને હવે આઈસીસીએ જાહેર કરેલી વન-ડે ટીમ ઓફ ધ યરમાં પણ એક પણ ભારતીય ખેલાડી સામેલ નથી. રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં આયર્લેન્ડ જેવી ટીમના બે ખેલાડીઓ સામેલ છે. આ ટીમમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી પણ સામેલ નથી.
બાબર આઝમને આ ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે અને તેમાં બે પાકિસ્તાની ખેલાડી સામેલ છે. આઝમ ઉપરાંત ફખર ઝમાન આ ટીમમાં સામેલ છે. સાઉથ આફ્રિકાનો જાનેમાન મલાન અને રેસ્સી વાન ડેર ડુસેન, બાંગ્લાદેશના સાકીબ અલ હસન અને મુસ્તાફિઝુર રહેમાન તથા મુશફિકુર રહિમ સામેલ છે. મુશફિકુર ટીમનો વિકેટકીપર છે.
શ્રીલંકાના બે ખેલાડી સામેલ છે જેમાં વાનિન્દુ હસારંગા અને દિશમંથા ચમીરાનો સમાવેશ થાય છે. જ્યારે આયર્લેન્ડના અનુભવી બેટ્સમેન પોલ સ્ટર્લિંગ અને સિમી સિંહને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટીમે 2021માં છ વન-ડે રમી હતી જેમાંથી ચાર મેચમાં તેનો વિજય થયો હતો અને બે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ અન્ય ટીમોના ખેલાડીઓને વધારે મેચ રમવાની તક મળી હતી અને તેમાં શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે તેઓ આ ટીમમાં સામેલ થઈ શક્યા છે. જેમ કે આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગે 2021માં 14 વન-ડેમાં 705 રન નોંધાવ્યા હતા જેમાં તેની એવરેજ 79.66ની રહી હતી. જ્યારે સાઉથ આફ્રિકાના મલાને આઠ મેચમાં 509 રન નોંધાવ્યા હતા. આ જ વાત ટીમના અન્ય ખેલાડીઓને પણ લાગું પડે છે જેઓ ભારીય ખેલાડીઓ કરતા વધારે મેચ રમ્યા હતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.