અમેરિકા (USA)ની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા દ્વારા વર્ષ 2023ના અંત સુધીમાં પ્રથમ મોબાઈલ રોબોટ ચંદ્ર પર મોકલવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. નાસા દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, આ રોવર ચંદ્રની સપાટી પર બરફ અને અન્ય સંસાધનોની શોધ કરશે. વોલેટાઇલ્સ ઇન્વેસ્ટિગેટીંગ પોલાર એક્સપ્લોરેશન રોવર(VIPER) નામનું રોવર વૈજ્ઞાનિકોને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંસાધનોના ડેટાને માપવામાં મદદ કરશે. જે પાછળથી ચંદ્રના માનવ સંશોધન દરમિયાન ઉપયોગમાં લેવામાં આવશે.
VIPER દ્વારા એકઠા કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ વિજ્ઞાનિકો દ્વારા ચંદ્ર પરના સંસાધનોનું ચોક્કસ સ્થાન નિર્ધારિત કરવા અને આર્ટેમિસ અવકાશયાત્રીઓની તૈયારીના ભાગરૂપે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંભવિત પ્રવાસોનું મૂલ્યાંકન કરવા કરવામાં આવશે.
VIPERના પ્રોગ્રામ સાયન્ટિસ્ટ સારા નોબલનું કહેવું છે કે, સ્પેસ એજન્સીએ ચંદ્રની સપાટી પર મોકલ્યો હોય તેવો VIPER સૌથી સક્ષમ રોબોટ છે. આ રોબોટ આપણે ક્યારેય ન જોયા હોય તેવા સ્થાનોની શોધ કરશે.
VIPER ખાસ વ્હીલ અને સસ્પેન્સન સિસ્ટમ રહેશે. જે અલગ અલગ પ્રકારની માટી લેવા અનુકૂળતા આપશે. આ ઉપરાંત ચંદ્રની સપાટી પર તે શોધ કરી શકશે. જ્યાં હંમેશા અંધકાર રહે છે, તેવા સ્થાનોએ શોધખોળ માટે આ રોબોટ તેની હેડલાઈટનો ઉપયોગ કરશે. ચંદ્રના આ વિસ્તાર સૂર્યમંડળના સૌથી ઠંડા વિસ્તાર પૈકીના છે. ઉલ્લેખનીય છે કે આ રોવર સૂર્ય ઉર્જા પર ચાલશે.
VIPERની ડિઝાઇન પાછળ લાંબો સમય અપાયો છે. ફોર્મ્યુલેશનનો તબક્કો પણ હમણા જ પૂરો થયો છે. નાસાએ હવે રોવરના ડેવલપમેન્ટના તબક્કાને મંજૂરી આપી છે.
2017માં શરૂ કરાયેલા આર્ટેમિન્સ પ્રોગ્રામ હેઠળ નાસાએ ચંદ્ર પર શોધખોળ કરવા રોબોટ અને માનવ મોકલવાની યોજના બનાવી છે. જો આ યોજના સફળ રહેશે, તો 1972ના એપોલો મિશન બાદ પ્રથમ સમાનવ ચંદ્ર મિશન ગણાશે. સ્પેસ એજન્સીનો ધ્યેય પ્રથમ મહિલાને ચંદ્ર પર મોકલવાનું પણ છે. આર્ટેમિન્સ પ્રોગ્રામ હેઠળ ચંદ્ર પર ઉતારનાર ત્રણ સદસ્યોની ટીમનો તે ભાગ હશે.