ચાઈનીઝ રસીને લઈને પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. હવે સાઉદી અરેબિયા પણ એ દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં ચીનની કોરોના રસી લેનારા લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. ભલે ચીની રસી સિનોફાર્મ અને સિનોવેક ને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ માન્યતા આપી હોય પરંતુ સાઉદી અરબ સહિત અનેક દેશોને તેના પર વિશ્વાસ નથી આથી તેમણે જે લોકોએ ચીનની રસી લીધી છે તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.
Sheikh Rashid એ આપ્યું આ નિવેદન
પાકિસ્તાનથી મોટા પાયે લોકો સાઉદી અરેબિયામાં કામ કરે છે. આવામાં સાઉદી સરકારનો આ નિર્ણય તેમના માટે મોટી મુશ્કેલી બની ગયો છે. પાકિસ્તાનના મંત્રી શેખ રશીદે હાલમાં જ કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઈમરાન ખાન વ્યક્તિગત રીતે આ મામલે ધ્યાન આપી રહ્યા છે, કારણ કે સાઉદી અરેબિયા સાથે કેટલાક અન્ય મધ્ય પૂર્વ દેશોએ પણ ચીનની રસીને માન્યતા આપી નથી. આ બાજુ ડોનના રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયામાં જે રસીની ભલામણ કરાઈ છે તેમા ફાઈઝર, એસ્ટ્રાજેનેકા, મોડર્ના અને જ્હોન્સન એન્ડ જ્હોન્સન સામેલ છે.
રસી માટે ચીનના વખાણ
સાઉદી અરેબિયાના આ નિર્ણયથી પાકિસ્તાન ટેન્શનમાં આવી ગયું છે. આ ટેન્શન શેખ રશીદની પ્રેસ કોન્ફરન્સમાં પણ સ્પષ્ટપણે જોવા મળ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ કેબિનેટને જણાવ્યું કે ચીની રસી મુદ્દે તેઓ મધ્ય પૂર્વ દેશો સાથે સંપર્કમાં છે. સિનોફાર્મ સારી રસી છે અને આ મામલે ચીનના સહયોગ બદલ તેમનો આભાર માનું છું. નોંધનીય છે કે ચીનની બાયો ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ કંપની લિમિટેડ તરફથી તૈયાર કરાયેલી સિનોફાર્મ કોવિડ-19 રસીને WHO એ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપેલી છે.
Pfizer પર જતાવશે ભરોસો
આ અગાઉ સાઉદી અરબની શરતોને જોતા પાકિસ્તાન તરફથી કહેવાયુ હતું કે જે લોકો વર્ક વિઝા પર બહાર કામ કરી રહ્યા છે કે પછી ત્યાં અભ્યાસ માટે કે હજ માટે જવા ઈચ્છે છે તેમને ફાઈઝરની રસી આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે અનેક દેશોએ ચીની રસી અંગે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે તેની અસરને લઈને વિશ્વાસ આવતો નથી. જે દેશોએ ચીની રસી પર નિર્ભરતા વ્યક્ત કરી હતી તેઓ હવે અન્ય રસી તરફ નજર ફેરવી રહ્યા છે.