કોરોના વાઈરસની બીજી લહેર ભારતમાં તબાહી મચાવી રહી છે. આ સમયે દેશમાં રોજ 4 હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યાં છે ત્યારે WHO-વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ સાયન્ટિસ્ટ ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન કોરોના મહામારીની આગામી ઘણી લહેરો અંગે ભારતને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે,‘આગામી સમયમાં કોરોનાની ઘણી લહેરો ભારતની મુશ્કેલીઓ વધારી શકે છે.
આપણે જાણીએ છીએ કે આ મહામારીની ઘાતક લહેરનો એક અંત આવશે જ. વર્ષ 2021ના અંત સુધીમાં આ જોવા મળી શકે છે. ત્યાં સુધીમાં વિશ્વની 30 ટકા વસ્તીને વેક્સિન અપાઈ ચૂકી હશે. આગામી 6 થી 12 મહિના આપણે મહામારી વિરુદ્ધની લડાઈ પર ફોક્સ કરવું જોઈએ. તે પછી જ આપણે કોરોના મહામારીને જડમૂળથી ઉખાડી ફેંકવાની લાંબાગાળાની યોજના પર કામ કરવું જોઈએ.
ભારત માટે આગામી 6 થી 18 મહિના ભારતના પ્રયાસોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે. મહામારીની આ લડાઈ ઘણા અંશે વાઈરસના વિકાસ પર નિર્ભર કરે છે. વેરિએન્ટ્સ વિરુદ્ધ વેક્સિનની ક્ષમતા અને વેક્સિનથી બનનારી ઈમ્યુનિટી કેટલો સમય લોકોનું રક્ષણ કરે છે તે વાત ઘણી મહત્ત્વપૂર્ણ સાબિત થશે.