અંકલેશ્વરમાં લૂંટેરી દુલ્હનના દ્વારા ઠગાઇનો અનોખો કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કૌભાંડમાં મેટ્રીમોની સાઇટ ઉપર એકાઉન્ટ બનાવી સંપર્ક બનાવ્યા બાદ લગ્નની વાત ચલાવાઈ હતી. લગ્નની ગરજ અને યુવતીની મીઠી વાતોમાં ફસાઈ જનાર યુવાન સાથે રૂપિયા પોણા ચૌદ લાખની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મામલે અંકલેશ્વર પોલીસે બંગાળથી યુવતીની ધરપકડ કરી છે.

અંકલેશ્વરમાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના યુવકઅમિતકુમાર સામંતનો બંગાળી મેટ્રીમોની સાઈટ પર યુવતી સુપ્રિયા તપનકુમાર મજમુદાર સાથે પરિચય થયો હતો. ઓનલાઇન બંનેએ વાતચીત બાદ લગ્નના બંધનમાં બાંધવાનું નક્કી કર્યું હતું. થોડો સમય બંનેએ એકબીજા સાથે ઓનલાઇન સંપર્ક રાખ્યો હતો અને ટૂંક સમયમાં લગ્ન થશે તેવી લાગણી સાથે અમિત ખુશ રહેવા લાગ્યો હતો.

લગ્ન માટે વચનબદ્ધ થયા બાદ અચાનક સુપ્રિયા ઉપર કથિત આફતો આવવા લાગી હતી. આ સમસ્યાઓ બાબતે અમિત તેનો ભાવિ પતિ હોવાનું યાદ અપાવી સુપ્રિયા સમસ્યાનો હલ આર્થિક મદદના નામે કઢાવવા લાગી હતી.

એક દિવસ અચાનક સુપ્રિયાએ અમિતને મેસેજ કરી તેની માતા બાથરૂમમાં પડી ગઈ હોવાના દુઃખદ સમાચાર આપી માતાના સારવાર માટે આર્થિક મદદ માંગી હતી. પહેલીવાર 5000 રૂપિયાની નાની રકમ માંગતા અમિતે ખચકાટ વિના તરત બેન્ક ખાતામાં ટ્રાન્સફર આપ્યા હતા. હજુ માંડ થોડો સમય વીત્યો ત્યાં સુપ્રિયાનો વધુ એક કોલ આવ્યો અને ચોધાર આંસુ સાથે મદદ માંગી ઓપરેશન માટે 25000 રૂપિયા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

એક પછી એક સમસ્યાઓ આવતી ગઈ અને અમિત તેની ભાવિ પત્નીના દુઃખને હળવા કરવાના આશયથી મદદ કરતો રહ્યો હતો .ભેજાબાજ યુવતીએ અમિત પાસેથી વીમા પ્રીમિયમ, મેડિકલ, ખરીદી અન્ય જરૂરિયાતો સહિત નિત નવા બહાના હેઠળ અંદાજીત કુલ ₹ 13.79 લાખ પડાવી લીધા હતા. આ વચ્ચે અમિત દ્વારા તેને લગ્નની તારીખ નક્કી કરવા પુછવામાં આવતા સુપ્રિયાએ બહાના કાઢવાનું શરુ કર્યુ હતુ. સમય જતા અમિતને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની તપાસ શરુ કરી પોલીસે ભેજાબાજ યુવતી સુપ્રિયા મજમુદારની બંગાળથી ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights