કોરોના મહામારીએ લોકોની કમર ભાંગી નાંખી છે. એક વર્ષમાં કોઈ ઘર બાકી ન રહ્યું હોય જેમાં મેડિકલનો ખર્ચ આવ્યો હોય. લગભગ દરેક ઘરમાં કોઈ ને કોઈ મેડિકલ ખર્ચા આવ્યા છે. એક તરફ આવક પર બ્રેક પડી છે, ત્યાં આવામાં લોકો માટે મેડિકલના ખર્ચા પણ આકરા બની રહ્યાં છે. ત્યારે મહામારીમાં આવક ઓછી થતા લોકો જેનેરિક દવા તરફ વળ્યા છે. છેલ્લા એક વર્ષમાં જેનેરીક દવા ના વેચાણમાં 70 ટકાનો ઉછાળો આવ્યો છે.
જેનરીક અને બ્રાન્ડેડ દવાની અસરકારકતા એકસરખી જ હોય
આ વિશે ગુજરાત સ્ટેટ ફાર્માસ્યુટીકલ કાઉન્સિલના મોન્ટુ પટેલે જણાવ્યું કે, બ્રાન્ડેડ દવાની સરખામણીએ જેનેરીક દવાઓ 50 ટકા સુધી સસ્તી થઈ છે. દવાના રિસર્ચ બાદ તેના માર્કેટિંગમાં ખર્ચ વધતાં બ્રાન્ડેડ દવા મોંઘી હોય છે. કોઇ પણ દવામાં ૯૦ થી ૧૧૦ ટકા ડ્રગ હોય તો તે જે બેચની દવા માર્કેટમાં વેચી શકાય. જેનરીક અને બ્રાન્ડેડ દવાની અસરકારકતા એકસરખી જ હોય છે. કોરોના કાળમાં દેશની 125 કરોડ કરતા વધારે લોકોને બ્રાન્ડેડ કંપની દવા પૂરી ન પાડી શકતાં જેનરીકનું વેચાણ વધ્યું છે.
કોરોના પિક પર હતો એ સમયમાં જેનેરીક દવાના વેચાણમાં બે ગણો વધારો
બ્રાન્ડેડ અને જેનરિક દવા એક જ પ્લાન્ટમાં બને છે. પરંતુ લોકો મોંઘી અને બ્રાન્ડેડ દવાને બદલે લોકો સામાન કન્ટેન્ટવાળી જેનેરીક દવા પર પસંદગી ઉતારી રહ્યાં છે. રાજ્યમાં જેનેરીક દવાના 1000 અને અમદાવાદમાં 400 સ્ટોર આવેલા છે. કોરોના પિક પર હતો એ સમયમાં જેનેરીક દવાના વેચાણમાં બે ગણો વધારો થયો છે. લોકોમાં જાગૃકતા આવતા જેનેરીક દવાના વેચાણમાં વધારો થયો છે.