બોલીવૂડના એકટર સોનૂ સૂદે કોરોના મહામારીની પહેલી અને બીજી લહેર દરમિયાન સેંકડો લોકોને મદદ કરી છે. સોનૂને તેના કારણે ભારે લોકપ્રિયતા પણ મળી છે.
હવે ઈન્દોરના એક વિદ્યાર્થી માટે પણ સોનૂ એક દેવદૂત બનીને આવ્યો છે. ઈન્દોરમાં રહેતા અને લોનો અભ્યાસ કરતા વિદ્યાર્થી સાર્થક ગુપ્તાના બંને ફેફસા ભારે ડેમેજ થઈ ચુકયા છે અને હવે તેના લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરુર છે. આ માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. સાર્થકના પરિવાર માટે તો આટલી મોટી રકમ સ્વપ્ન સમાન છે ત્યારે હવે સોનૂએ તેની સારવારનો ખર્ચ ઉઠાવવાનુ નક્કી કર્યુ છે.
25 વર્ષના સાર્થકને કોરોના થયા બાદ સંક્રમણના કારણે ફેફસા પર ભારે ખરાબ અસર પડી હતી. હાલમાં તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જોકે પરિવારની તો એટલી તાકાત નથી કે, ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે બે કરોડ રૂપિયા ખર્ચી શકે. સહાય માટે પરિવારે ઈન્દોરના લોકોને અપીલ કરી છે. સાર્થક છેલ્લા સાત દિવસથી વેન્ટિલેટર પર છે. સહાય માટે સાર્થકના મામાએ સોનૂને અપીલ કરી હતી. સોનૂ સૂદે પણ તેની સહાય કરવાનુ નક્કી કર્યુ છે. લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ માટે તે આ વિદ્યાર્થીઓનો તમામ ખર્ચો ઉપડાશે.
હવે સાર્થકને ટ્રાન્સપ્લાન્ટ માટે હૈદ્રાબાદ લઈ જવાનુ નક્કી કરાયુ છે. જોકે સોનુ સૂદે પહેલી વખત કોઈની મદદ કરી હોય તેવુ નથી. આ પહેલા પણ તે ઘણા લોકોને અલગ અલગ રીતે સહાય કરી ચુકયો છે અને તેના કારણે સોનુ સૂદના ચાહકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.