અમદાવાદ શહેરમાં ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. શહેરના બાપુનગર વિસ્તારમાં ગવર્મેન્ટ ઈ-કોલોની પાસે ચેઈન સ્નેચિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એક આધેડ મહિલા પાસેથી ચેઈન લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, એક આધેડ મહિલા હાથમાં થેલી લઈ પસાર થઈ રહી હતી તે દરમિયાન એક્ટિવા પર આવેલા બે શખ્સોએ ચિલઝડપ કરી મહિલાને નીચે પાડી સોનાની ચેઈન લઈને ફરાર થઈ ગયા હતા.
ચેઈન સ્નેચિંગનો આ બનાવ CCTVમાં કેદ થઈ ગયો હતો. ત્યારે હાલમાં પોલીસે આ CCTVના આધારે ચેઈન સ્નેચિંગના બનાવ મામલે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, શહેરનો પૂર્વ વિસ્તાર આ પ્રકારના બનાવોને અંજામ આપવા માટે હોટ ફેવરિટ બની ગયો છે. બાપુનગર વિસ્તારમાં ચેઈન સ્નેચરોનો આતંક જોવા મળી રહ્યો છે. આરોપીઓ પોલીસને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યા છે.