માત્ર મહાનગર જ નહીં જિલ્લાઓની આસપાસ વહેતી નદીઓને સ્વચ્છ કરવા મામલે પ્રશ્નો સતત ચર્ચામાં રહ્યા છે. પણ અમદાવાદ શહેરમાં વહેતી સાબરમતી નદીની સ્વચ્છતાને લઈને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સાબરમતી નદીને ઝેરી કેમિકલથી પ્રદુષિત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટે ઉદ્યોગકારોને ટકોર કરી છે. મોટા ભાગના લોકો એવું વિચારતા હોય છે કે, આ પ્રદુષણ કંટ્રોલ બોર્ડ અને તંત્ર વચ્ચેનો પ્રશ્ન છે તો એવું બિલકુલ નથી.
કેમિકલથી સાફ થયેલા શાકભાજી અમદાવાદીઓની થાળીમાં પીરસાઈ રહ્યા છે. નાસ્તામાં, બપોરે અથવા રાત્રના સમયે જે આહાર પીરસવામાં આવે છે એના શાકભાજીને કેમિકલ યુક્ત પાણીની સાફ કરવામાં આવે છે. જેથી આ કેમિકલ પેટમાં પડી રહ્યા છે. ખાસ કરીને મહાનગરમાં શિયાળામાં અનેક લોકો સલાડનું મોટી માત્રામાં સેવન કરતા હોય છે. પણ અમદાવાદ શહેરની 60 કિમીના વિસ્તારમાં 43 ગામમાં શાકભાજી પાકે છે. જેમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો સાબરમતી નદીના પ્રદુષિત પાણીનો ઉપયોગ કરે છે. આ પાણી શાકભાજીમાં પણ ભળતું હોવાને કારણે પાક પણ કેમિકલવાળો ઉતરે છે. તો ક્યારેક શાકભાજીવાળા કેમિકલયુક્ત પાણીથી એને સાફ કરે છે.
સાબરમતી નદીના પાણીમાં ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી ભળતું હોવાને કારણે શાકભાજીમાં મેટલનું પ્રમાણ જોવા મળ્યું છે. જે માત્ર ભારત જ નહીં WHOના માન્ય ધારાધોરણ કરતા 3થી 28 ગણું વધારે છે. જે શરીર સામે મોટું જોખમ ઊભું કરે છે. તિરુવંતપુરમમાં આવેલા નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ સ્ટડીઝ અને ગાંધીનગરના પીડીપીયુના સંશોધકો તરફથી રજૂ કરવામાં આવેલા એક રીસર્ચમાં આ અંગે મોટો ખુલાસો કરાયો છે. આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં પ્રકાશિત આ અભ્યાસમાં સ્પષ્ટતા કરાઈ છે કે, અમદાવાદમાં મળી રહેલા શાકભાજીમાં મોટા પ્રમાણમાં ક્રોમિયમ, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક અને લીડના તત્વો મળી આવ્યા છે. નોંધનીય છે કે કેમિકલવાળા પાણીથી ધોવાથી અથવા ઓવનમાં સુકવવાથી પણ આ તત્વોને દૂર નથી કરી શકાતા.
મહાનગર અમદાવાદમાં દરરોજ નાના સેન્ટરમાંથી મોટી સંખ્યામાં આવા શાકભાજી ઠલવાય છે. જેનું વેચાણ શહેરના જુદા જુદા વિસ્તારમાં થાય છે. આ રીસર્ચમાં એવો દાવો કરાયો છે કે, ભારતના ફૂડ સેફ્ટીના માપદંડની તુલનામાં લીડનું પ્રમાણ 12 ગણું વધું છે. શાકભાજીમાં મેંગેનીઝનું પ્રમાણ 13 ગણું વધારે છે. જ્યારે ક્રોમિયમનું પ્રમાણ ત્રણ ગણું વધારે છે. ઝિંકનું અઢી ગણું જ્યારે કોપરનું પ્રમાણ બમણું છે. આ તમામ તત્ત્વો શરીર માટે હાનિકાર હોવાનું અગાઉ પણ તબીબો કહી ચૂક્યા છે.