અમદાવાદ:ફોર અને ફાઈવ સ્ટાર હોટલોને અમદાવાદના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા એક સામાજિક કાર્યકર રોહિત પટેલે ઉઘાડી પાડી છે. રોહિત પટેલે તોલમાપ વિભાગ અને ગ્રાહક સુરક્ષામાં મિનરલ પાણીની બોટલો પર MRP કરવા વધુ ભાવ વસૂલવા મામલે ફરિયાદ કરી હતી.
રોહિત પટેલના કહેવા પ્રમાણે દરેક હોટલોને કેટલો દંડ કર્યો તેની મેં RTI કરી હતી તેનો જવાબ મને મળ્યો છે. મેં આ 11 હોટેલો સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પણ ફરિયાદ કરી હતી. કોર્ટે ઘણી હોટલોને પણ દંડ કર્યો હતો.
રોહિત ભાઈએ જણાવ્યું કે, મેં કરેલી ફરિયાદ બાદ હું સતત વિભાગોની તપાસ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી મેળવતો હતો. ઘણી વાર મેં RTI કરીને પણ જાણકારી મેળવી છે. જેમાં ચોંકાવનારી વાત મારી સામે આવી હતી.
ગ્રાહક સુરક્ષા અને તોલમાપ તરફથી MRP કરતાં વધુ ભાવ લેતી હોટેલોમાં મારી ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ બાદ હોટેલો સામે માંડવાળ ફી લેવામાં આવી હતી. જેમા હોટેલ મેરિયોટને 12 હજાર, રીજેન્ટા હોટેલને 6 હજાર, હયાત રેજેન્સી પાસેથી 24 હજારની માંડવાળની રકમ લઈને દંડ કરવામાં આવ્યો હતો.
હોટલોને આમ માત્ર 6, 12 અને 24 હજારના દંડથી શું થાય, જો આવી હોટલોને સબક શિખવાડવો હોય તો તેમની સામે કડક કાર્યવાહીની જરૂર છે. તો જ હોટલો લોકોને લૂંટવાનું બંધ કરશે. આ મામલે વિચારવાની જરૂર છે.
રોહિત પટેલે જણાવ્યું કે, 2017માં હું મારા પરિવાર સાથે આશ્રમ રોડ ખાતેની એક હોટેલમાં જમવા માટે ગયો હતો. આ સમયે મેં મીનરલ વોટરની પાંચ બોટલો મંગાવી હતી. જે બોટલ પર 20 રૂપિયાની એમઆરપી છાપેલી હતી. તે છતાંય તેના બિલમાં એક બોટલના 100 રૂપિયા લેખે ગણવામાં આવ્યાં હતાં.
મેં જ્યારે બિલ જોયું તો હું ચોંકી ગયો હતો. મેં હોટેલના મેનેજર સાથે આ મુદ્દે વાત કરી તો તેમણે મને કહ્યું કે, આ તો ફાઈવ સ્ટાર હોટેલ છે અહીં ભાવમાં કોઈ ફેર નહીં પડે તમારે ચુકવવા જ પડશે. ત્યાર બાદ મેં આવી હોટેલો સામે કાર્યવાહી થાય તે માટે એક ઝુંબેશ ઉપાડી અને અલગ અલગ ફાઈવ સ્ટાર અને ફોર સ્ટાર હોટેલમાં જમવા માટે ગયો ત્યાં પણ મને આવું જ જોવા મળ્યું. આખરે આ બાબતે મેં ગ્રાહક સુરક્ષા તથા તોલમાપ વિભાગમાં ફરિયાદ કરીને લડાઈ શરૂ કરી.