અમદાવાદના મકરબામાં નાયરા પેટ્રોલ પંપથી જુહાપુરા ચાર રસ્તા પાસે પાણીની ટાંકી સુધી જાહેર રોડ પર એક કારનો ચાલક કારની પાછળની સાઈડનો દરવાજો ખુલ્લો રાખી કાર ચલાવતો વીડિયો વાયરલ થયો હતો.આ વીડિયોમાં કારની પાછળનો ડાબી બાજુનો દરવાજો ખુલ્લો હતો. આ વીડિયો વાયરલ થતા કાર નંબરના આધારે ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તેની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે આ કાર ટૂરિઝમ વિભાગમાં ફરતી હોવાથી ચાલકે કાર પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં ડ્રાઈવરની ડાબી બાજુની સીટની પાછલ બેઠેલા એક શખ્સે કારનો દરવાજો ખુલ્લો રાખીને સ્ટન્ટ કરતો હતો. આ દરમ્યાન તેની બાજુમાં બેઠેલા વ્યક્તિએ દરવાજો બંધ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ દરવાજો બંધ થઈ શક્યો નહી. તેથી ચાલુ કારે દરવાજો બંધ કરવા માટે એક યુવક ઉતરીને દરવાજાને ધક્કો મારીને બંધ કરવા જતા બંન્ને વ્યક્તિ ઝઘડ્યા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
આ અંગે ટ્રાફિક JCPએ જણાવ્યું કે, વાયરલ વીડિયોના આધારે ગુનો નોંધીને કારચાલક સામે પગલા લીધા છે. આ કાર ગુજરાત ટૂરીઝમમાં ફરે છે. એટલે કે આ કારના ચાલકે ગાડી પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખ્યું હતું. પરંતુ આવું લખાણ લખી શકાય નહીં એટલા માટે પણ તેની સામે કાર્યવાહી કરાશે.
ઉલ્લેખનીય છે કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારનો ચાલક સિદ્ધાર્થ ગઢવી કારની પાછળની સાઈડનો દરવાજો ખુલ્લો રાખી કાર ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.