Sun. Dec 22nd, 2024

અમદાવાદમાં ગાંધીનગર જેવું બનાવ,અમરાઈવાડીમાં નવજાત બાળકને મંદિરના પગથીયાઓ પર મૂકીને અજાણી વ્યક્તિ ફરાર

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્‍મીનગરમાં પહેલા માળે કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકને મૂકીને જતું રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંદર દિવસમાં જ અમદાવાદ શહેરમાં નવજાત બાળકને તરછોડવાની આ બીજી ઘટના છે. મહાલક્ષ્‍મીનગરમાં નવજાત મળ્યાની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી.બાળક મળ્યાના બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે બાળકને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

બાળક મળ્યાંની જાણ થતાં લોકોના ટોળા વળ્યાં

અમરાઈવાડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્‍મીનગરના પહેલા માળે ગણપતિની પ્રતિમા સામે એક માસૂમ બાળક રડી રહ્યું હતું. બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિક મહિલાઓ ત્યાં પહોંચી ગઈ હતી. જેમણે આસપાસના લોકોને બોલાવ્યા હતાં. આ વાતની જાણ થતાં સ્થાનિક સામાજિક કાર્યકર હર્ષદ પટેલે પોલીસને જાણ કરી હતી. હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર એક દિવસનું માસૂમ બાળક મળી આવતા લોકો એકઠા થવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસ અને 108ની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. હાલ બાળકને સારવારાર્થે એલ જી હોસ્પિટલમાં લઈ જવાયું છે. જ્યારે પોલીસે બાળકને કોણ મૂકી ગયું છે. તે જાણવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

14 ઓક્ટોબરે વેજલપુરમાં એક નવજાત મળ્યું હતું

શહેરના વેજલપુરના શ્રીનંદનગર એપાર્ટમેન્ટની સીડીમાં બાળક રડવાનો અવાજ આવતો હતો, જેથી આસપાસ રહેતી મહિલાએ બહાર આવીને જોયું તો એક નવજાત બાળક રડી રહ્યું હતું. એટલામાં સીડીમાં કોઈનો ઊતરવાનો અવાજ આવ્યો અને બૂમો પડતાં સ્થાનિકો દ્વારા મહિલાને પકડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ આ મહિલાએ નવજાત બાળક તેનું જ હોવાનું અને કુંવારી માતા બનતાં બાળક તરછોડ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જ્યારે બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યું છે.

ગાંધીનગરનો ચકચારી બાળક મળ્યાનો કેસ

ગાંધીનગરના પેથાપુરની ગૌશાળામાં 8 ઓક્ટોબરે 10 મહિનાનું એક બાળક મળ્યુ હતુ. મહેંદી પેથાણી અને સચિન દીક્ષિત પ્રેમપ્રકરણમાં મહેંદી કુંવારી માતા બની અને ત્યાર બાદ પ્રેમી સચિને દીકરાને તરછોડ્યો હતો.

Related Post

Verified by MonsterInsights