અમદાવાદ: અમરાઇવાડીમાં પોલીસની નિષ્ક્રયતાના કારણે લૂખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, બે દિવસ પહેલા મધરાતે દારુના નશામાં ધૂત છાકટા બનેલા શખ્સો જાહેર રોડ ઉપર પાર્ક કરેલા ૧૨થી વધુ વાહનોની તોડફોડ કરીને આતંક મચાવી રહ્યા હતા. આ સમયે ઠપકો આપતા નણંદ અને ભાભીને ગાળો બોલીને પાઇપથી હુમલો કરીને ચાર આરોપીઓ નાસી ગયા હતા.
આ કેસની વિગત એવી છે કે બાપુનગરમાં શિવાનંદનગર પાસે રામદેવનગરમાં રહેતા નીતાબહેન મોહનભાઇ મુરજાની (ઉ.વ.૪૪)એ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નરોત્તમદાસનગર પાસે જગદીસ પંડીતની ચાલીમાં રહેતા યોગેન્દ્રસિંગ રાજેશસિંગ રાજપુત તથા રામોલ રામ રાજ્યનગર પાસેની રાયનગર સોસાયટીમાં રહેતા રાજ કરમસિંહ રાજપુત અને વસ્ત્રાલ વિનાયક પાર્ક સોસાયટી પાસે રોડ ઉપર મકાનમાં રહેતા દિપક પિન્ટુભાઇ મરાઠી તેમજ સોનું ઉર્ફે શુટર સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૦ના રોજ રાતે ૧૧.૩૦ વાગે જમી પરવારીને નણંદ સાથે અમરાઇવાડીમાં શિવાનંદનગર પાસે રામદેવનગરના નાકે બાંકડા ઉપર બેઠા હતા.
આ સમયે આરોપીઓ દારુના નશામાં ધૂત ઉપરોક્ત આરોપીઓ જાહેર રોડ ઉપર પાર્ક કરેલી લોડિંગ રિક્ષા સહિત ૧૨થી વધુ વાહનો તથા લારીઓને પાઇપ મારીને તોડફોડ કરતા હતા. જેને લઇને બન્ને મહિલાએ ઠપકો આપીને આવુ કૃત્ય કરતા રાકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આરોપીઓએ ઉશ્કેરાઇને મહિલાને ગાળો બોલીને બન્ને મહિલા ઉપર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો મહિલાએ પોલીને જાણ કરતાં પોલીસ આવતાની સાથે આરોપીઓ નાસી ગયા હતા, મહિલાઓને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.