રાજ્યમાં નિયમ ભંગ કરતા લોકોને પોલીસકર્મી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં નિયમ ભંગ કરવા બદલ એક નાગરિકે પોલીસકર્મીની કારને ઊભી રખાવી હતી અને ત્યારબાદ પોલીસકર્મીનો ઉધડો લીધો હતો. આ ઘટનામાં પોલીસકર્મીએ જાગૃત નાગરિકને કહ્યું હતું કે, મારી ભૂલ થઇ ગઈ સાહેબ તમારા પગે પડું. આ ઘટના અમદાવાદમાં સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, અમદાવાદના રીવરફ્રન્ટ પર એક જાગૃત નાગરિક સાયકલિંગ કરી રહ્યા હતા. તે સમયે રીવરફ્રન્ટ પરથી એક કાર પસાર થઇ રહી હતી અને તે કારમાં એક પોલીસકર્મી તેના મિત્રની સાથે સવાર હતો. રીવરફ્રન્ટ પર કાર સહિતના વાહન પર પ્રતિબંધ હોવાના કારણે જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં એક વીડિયો રેકોર્ડિંગ શરૂ કરીને પોલીસકર્મીની કારને ઊભી રખાવી હતી. ત્યારબાદ કાર ચાલક યુવકની પાસેથી લાયસન્સ સહિતના પુરાવાની માગણી કરી હતી. ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા પોલીસકર્મીનો ઉધડો લેવામાં આવ્યો હતો કે રીવરફ્રન્ટ પર વાહનો પર પ્રતિબંધ છે. જો કોઈ વાહન રીવરફ્રન્ટ પર પ્રવેશ કરે તો તેને પોલીસ રોકે છે અને તમે પોલીસ થઇને નિયમ ભંગ કરશો તો કેમ ચાલશે. જાગૃત નાગરિકની હિંમત જોઈએ આ પોલીસકર્મીને નમતું મુકવું પડ્યું હતું. પોલીસકર્મી જાગૃત નાગરિકને જવા દેવા માટે આજીજી કરી રહ્યો હતો.
જાગૃત નાગરિકે કાર ચાલકને પ્રશ્ન કર્યા હતા કે દોસ્ત તું શા માટે રીવરફ્રન્ટ પર ગાડી ચલાવી રહ્યો છે. મને એ સમજાવ કે રીવર ફ્રન્ટ શેના માટે છે. આ સાયકલ ચલાવવા અને ચાલવા માટે છે. નાગરિકે પોલીસને કહ્યું હતું કે, સાહેબ તમે બહાર આવી જાવ મારે તમારી ફરિયાદ 100 નંબરમાં આપવાની છે. ત્યારે પોલીસકર્મીએ કહ્યું કે, મારી ભૂલ થઇ ગઈ. ત્યારબાદ નાગરિકે કહ્યું કે, દોસ્ત સાઈડમાં ગાડી કર અને હું 100 નંબરને ફોન કરીને બોલાવું છું. ત્યારબાદ પોલીસકર્મીએ આ જાગૃત નાગરિકને કહ્યું કે, દાદા પગે પડુ તમારા. ત્યારબાદ જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, ના સાહેબ પગે પડવાની કોઈ વાત નથી. તમે નિયમનો ભંગ કર્યો છે. પોલીસકર્મીએ એવું પણ કહ્યું કે, જવા દો હવે ફરીથી આવું નહીં થાય. પોલીસકર્મીની આજીજી બાદ જાગૃત નાગરિકે પોલીસકર્મી સાથે સમાધાન કર્યું હતું. તેથી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.