અમદાવાદ શહેરમાં વધતા જતા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા શુક્રવારે શહેરના સાત ઝોનમાં આવેલી ૫૬૦ જેટલી હોટલો અને હોસ્પિટલોમાં મચ્છરના બ્રિડીંગ મામલે મ્યુનિ.હેલ્થ વિભાગે તપાસ હાથ ધરતા ૪૨૭ એકમોને નોટિસ આપી રૃપિયા ૪.૫૧ લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.જોધપુર વોર્ડમાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં બ્રિડીંગ મળતા રૃપિયા ૨૫ હજાર તથા હોયલ મેરીયોટમાં બ્રિડીંગ મળવાથી રૃપિયા ૨૦ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
મ્યુનિ.ના હેલ્થ વિભાગે શુક્રવારે મચ્છરજન્ય રોગને ધ્યાનમાં લઈ હોટલો અને હોસ્પિટલોમાં તપાસ હાથ ધરતા સ્ટેડિયમ વોર્ડમાં આવેલી હોટલ મેટ્રોપોલને રૃપિયા ૨૫ હજાર, થલતેજ વોર્ડમાં ટ્રી ટોટલ હોટલને રૃપિયા ૨૫ હજાર,સરસપુર વોર્ડમાં આવેલી નારાયણા મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલને રૃપિયા ૧૫ હજાર, લાંભા વોર્ડમાં મોની હોટલ પાસે રૃપિયા ૧૦ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
સરદારનગર વોર્ડમાં હોટલ એરપોર્ટ એનેક્ષ પાસે રૃપિયા દસ હજાર, એસ.એમ.એસ.હોસ્પિટલ ચાંદખેડા પાસેથી રૃપિયા દસ હજાર ઉપરાંત બોડકદેવ વોર્ડમાં આઈકોની તેમજ ગ્લોબલ હોસ્પિટલ પાસેથી દસ-દસ હજાર રૃપિયાનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.આઘાતજનક બાબત એ છે કે,દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલોમાંથી જ મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા.તો કયા કારણથી હેલ્થ વિભાગ નિયમિત ચકાસણી કરતુ નથી એ પ્રશ્ને અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.