અમદાવાદની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને 60 હજાર ઈન્જેક્શનની આવશ્યકતા છે છતાં ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિ.ને છેલ્લા પાંચ દિવસમાં ફકત 8500 રેમડેસિવિર ઈન્જેક્શન આપ્યા છે.શહેરની જુદી જુદી પાંચ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા એક સિનિયર ડૉક્ટરે કહ્યું કે, સરકારની ગાઈડલાઈન મુજબ દર્દી વેન્ટિલેટર સુધી પહોંચે પછી તેને રેમડેસિવિર અપાય છે. જોકે હકીકતે જ્યારે દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું હોય ત્યારે પ્રાથમિક તબક્કે જ રેમડેસિવિરનો ડોઝ આપવામાં આવે તો દર્દીને વેન્ટિલેટર સુધી જતા અટવાકી શકાય છે.
ડૉક્ટરે કહ્યું કે તેમણે અત્યાર સુધી 500થી વધુ ઓક્સિજન ઉપર નભતા દર્દીઓને સારવાર આપી છે. જેમાં તમામને પ્રાથમિક તબક્કે જ રેમડેસિવિર અપાયા હતા. આ કારણે 4 દર્દીને જ વેન્ટિલેટરની જરૂર પડી હતી અને તેમને પણ સાજા કરી રજા અપાઈ છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શનની ઘણી માગ છે. અમદાવાદ કોર્પોરેશનને રેમડેસિવિરનો ખૂબ ઓછો જથ્થો અપાઈ રહ્યો છે. રેમડેસિવિરની અછતના કારણે દર્દીઓના મૃત્યુ થતા હોવાના ફિડબેક મળી રહ્યા છે. સૂત્રો કહે છે કે, રાજ્યની બે કંપની રેમડેસિવિરનું પ્રોડક્શન કરી રહી છે. જેમાંનો મોટો જથ્થો ગુજરાત બહાર મોકલવામાં આવી રહ્યો છે. આવી ગંભીર બાબતે આરોગ્ય સચિવ જ્યંતી રવિનો સંપર્ક કર્યો હતો, પણ તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.