મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ જવાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘરમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ આવી પહોંચી હતી. પોલીસના અનુમાન મુજબ, લાશ ત્રણ દિવસથી ફાંસી પર લટકતી હતી. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનીષા વિજયસિંહ ચૌહાણ નામની 34 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. મણિનગર ગોરની કુવાની કેનાલ પર સ્થિત કર્મભુમિ રો હાઉસના મકાનમા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મહિલા મળી આવી હતી. ત્રણેક દિવસથી લટકી રહેલ લાશની અસહ્ય દુગઁધ મારતા પાડોશીઓએ પોલીસ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ મણિનગર તેમજ ખોખરા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
પ્રાથમિક તપાસ મુજબ, આપઘાત કરનાર મહિલા પોલીસકર્મીના પતિ અને પુત્ર જામનગરમાં લગ્નપ્રસંગે ગયા હોવાનું સામે આવ્યું છે. જો કે આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. ત્રણ દિવસ પહેલા મહિલાએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.