અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતો અને જીટીયું કોલેજમાં અભ્યાસ કરતા એક વિદેશી વિદ્યાર્થીએ 11મા માળેથી કૂદી આપઘાત કરી લેતા સનસનાટીમચી ગઈ હતી. આ વિદ્યાર્થી ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અન્ય વિદેશી વિદ્યાર્થી સાથે પીજીમાં રહેતો હોવાનું સામે આવી રહ્યું છે. વિદ્યાર્થીએ માનસીક તણાવમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદના ચાંદખેડામાં એક વિદ્યાર્થીએ અગિયારમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. જી.ટી.યુંના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડેનિસ નામના વિદેશી વિદ્યાર્થીએ આજે સાંજના સમયે 11મા માળેથી કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ડેનિસ ચાંદખેડામાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં ત્રણ વિદેશી મિત્રો સાથે પી.જી.માં રહેતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પુછપરછમાં વિદ્યાર્થી બીજા વર્ષમાં નાપાસ થતાં સતત ડિપ્રેશનમાં રહેતો હતો. છેલ્લા એક વર્ષથી તેની ડિપ્રેશનને લઈ દવા પણ ચાલી રહી હોવાનું તેના મિત્રોનું કહેવું છે. આજે અગમ્ય કારણોસર તેણે આત્મહત્યા કરી લેતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી, લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધી છે.
પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વિદેશમાં રહેતા વિદ્યાર્થીના પરિવારજનોને મામલાની જાણકારી આપી છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો આવતીકાલ સુધી ભારત આવી શકે છે. પોલીસે વિદ્યાર્થીના મોત મામલે તપાસ અંગે કોલેજ તથા તેના મિત્રોની પ્રાથમિક પુછપરછ કરી કાર્યવાહી શરૂ કરી છે.