રાજ્યમાં 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. 21 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થતાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લામાં પણ 19 ડિસેમ્બરના રોજ 327 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી અને ચૂંટણી બાદ મત આપવાની અદાવતને લઇને 8થી 10 જેટલા ઇસમોએ એક વ્યક્તિએ માર મારીને તેની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. આ મામલો દાહોદ જિલ્લાના ગુલબાર ગામમાં સામે આવ્યો હતો અને સમગ્ર ઘટનાના પગલે ગરબાડા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર દાહોદ જિલ્લાના ગુલબાર ગામમાં આવેલા ખાટીયા ફળિયામાં રાકેશ નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે રહેતો હતો. ગુલબાર ગામમાં સરપંચની ચૂંટણી દરમિયાન સરપંચ પદના ઉમેદવાર છત્રસિંહ મંડોડની જીત થઈ હતી. તો બીજી તરફ રાકેશ નામના યુવક પર છત્રસિંહ મંડોડના 8થી 10 જેટલા સમર્થકોએ બુધવારના રોજ મોડી સાંજે હુમલો કર્યો હતો અને આ હુમલાખોરોમાં કમલેશ મંડોડ, નરેશ મંડોડ, રાકેશ મંડોડ, રસિક મંડોડ, શાંતિ મંડોડ, સુરેશ મંડોડ અને પરેશ મંડોડનો સમાવેશ થાય છે.
તમામ ઇસમો બુધવારે સાંજના સમયે ખાટીયા ફળિયામાં ગયા હતા. ત્યાં તેઓ અકુ નામના વ્યક્તિને માર મારીને કહેવા લાગ્યા હતા કે, તે અમારા સરપંચ પદના ઉમેદવાર છત્રસિંહ મંડોડને શા માટે વોટ આપ્યો નથી. અકુ નામના વ્યક્તિને માર ખાતો જોઈને રાકેશ તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. ત્યારે હુમલાખોરોએ રાકેશને પણ માર મારવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે, તે પણ શા માટે મત કેમ આપ્યો નથી? આ ઘટનામાં હુમલાખોરોએ રાકેશને માથાના ભાગે પથ્થરનો ઘા માર્યો હતો. આ ઘટનામાં રાકેશને ગંભીર ઇજાઓ થતાં રાકેશને સારવાર માટે 108ની મદદથી ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરો દ્વારા રાકેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
રાકેશનું મોત થતાની તમામ ઇસમો ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને રાકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને વધુ 6 આરોપી ફરાર છે તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા જે આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં કમલેશ મંડોડ, નરેશ મંડોડ, રાકેશ મંડોડ, રસિક મંડોડ, કાંતિ મંડોડ, શાંતિ મંડોડ, સુરેશ અને પરેશ મંડોડનો સમાવેશ થાય છે.