માલપુરમાં વીજ થાંભલામાં ફસાયેલ કબૂતરને બચાવવા જતા યુવકનું મોત નીપજ્યું છે. વીજ તારમાં ફસાયેલ પક્ષીને બચાવવા જતા જીવદયા ઇલેક્ટ્રિક કરંટ લાગતા નીચે પટકાયો હતો. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
યુવક કબૂતરનો જીવ બચાવવા થાંભલા પર ચડ્યો ત્યારે લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા, જેને કારણે આખી દુર્ઘટના મોબાઇલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હેવી વીજલાઇન સાથે સંપર્ક આવતા થાંભલા પરથી યુવક નીચે પટકાયો હતો. યુવાન નીચે પટકાતો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવક તારમાં ફસાયેલા કબૂતરને બચાવવા માટે પાઇપ લઈને ઉપર ચડે છે અને કબૂતરને દોરીમાંથી કાઢવાનો પ્રયાસ કરે છે.
જોકે, આ જ સમયે કોઈ રીતે તેને વીજ કરંટ લાગતાં ભડકો થાય છે અને યુવક થાંભલા પરથી નીચે પટકાય છે. આ ઘટનામાં યુવકનું ત્યાં જ મોત થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.