આસામના કોકરાઝાર ખાતે દુષ્કર્મ કેસના એક આરોપીએ પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેથી જવાનોએ તેને ગોળી મારી દીધી હતી. જોકે ગોળી આરોપીના પગમાં મારવામાં આવી હતી જેથી તે ત્યાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યો હતો. ફોરિજુલ રહમાન નામના આ આરોપીને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હકીકતે કોકરાઝાર જિલ્લામાં બે સગીરાઓ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકીના એકને પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળે લઈ જઈ રહી હતી. તે સમયે આરોપીએ પોલીસ પર હુમલો કરી દીધો હતો અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું અને આરોપી ઘાયલ થઈને નીચે પડી ગયો હતો. આરોપીએ કરેલા હુમલામાં એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો હતો. પોલીસ આરોપીને લઈને જંગલમાં 2 મૃતક છોકરીઓ પૈકીની એકનો ફોન શોધવા ગઈ ત્યારે આ ઘટના બની હતી.
આરોપીએ જંગલમાં અચાનક જ એક સિપાહી પર હુમલો કરી દીધો હતો અને ત્યાંથી ભાગવા પ્રયત્ન કરવા લાગ્યો હતો. તેને અટકાવવા માટે પોલીસકર્મીઓએ ગોળી ચલાવી હતી.