મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ પર સૌ કોઈની નજર છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રિના સમયે ગુજરાતના વડોદરામાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બંને મહાનુભવો વચ્ચે સરકારની રચના અંગે ચર્ચા જામી હતી. જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદે વિશેષ વિમાન દ્વારા વડોદરા પહોંચ્યા હતા અને બંને નેતાઓની મુલાકાત યોજાઈ હતી.
અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેને જોઈને ઘણા મંતવ્યો આવી રહયા છે. તેવામાં શિવસેનામાં અસલી શિવસેના અંગેની લડત ઉગ્ર બની છે. તેવા સમયે જ દેવેન્દ્ર ફડણવીસ તથા એકનાથ શિંદે વચ્ચેની બેઠક મહત્વની બની રહે છે.
બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે પાસે ધારાસભ્યોની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ તેમણે પાર્ટી પર નિયંત્રણ મેળવવા માટેની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. શનિવારના રોજ યોજાયેલી શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને બળવાખોરો સામે કાર્યવાહી કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે.
આ સાથે જ પાર્ટીના પદાધિકારીઓએ તેમના નેતૃત્વ પર વિશ્વાસ દર્શાવ્યો છે. તેવામાં હવે જોવાનું રહ્યું કે, શિવસેનામાં હજી પણ એ એકતા છે જે પાર્ટીને બાંધીને રાખે કે પછી વિખરાઈ જશે.