બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના એક ખેડુતે ગુજરાતમાં પ્રથમવાર જીરેનીયમની ખેતી શરૂ કરી છે. ખેડૂતે બે વિઘાથી શરુ કરેલી આ ખેતી એક જ વર્ષમાં 7 વિઘામાં પહોંચી ગઈ છે. અને આજે ખેડૂત વર્ષે જિરેનીયમની ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
મુંબઈમાં વ્યવસાય છોડી જીરેનિયમની ખેતીમાં કરવા લાગ્યા ખેડૂત
ડીસા તાલુકાના ભોંયણ ગામના શ્રીકાંતભાઈ પંચાલે ગ્રેજ્યુશન કર્યું છે. તેમની પાસે ભોયણ ગામમાં 7 વિઘા જમીન છે. જો કે તેઓ પોતાની જમીન છોડી મુંબઈ ખાતે પાર્ટનરશિપમાં વ્યવસાય કરતા હતા. અને વ્યવસાયકાળ દરમ્યાન તેમના પાર્ટનર પાસેથી જીરેનિયમ છોડની ખેતી વિશે જાણવા મળતાં જ શ્રીકાંતભાઈએ આ ખેતી વિશે ઉંડાણમાં માહિતી મેળવી અને તેમાં નફો જોવા મળતા શ્રીકાંતભાઈએ ફરીથી ખેતીનો વ્યવસાય અપનાવ્યો. 2019 માં શ્રીકાંતભાઈએ પોતાના ખેતરના 2 વિઘાના ભાગમાં જીરેનિયમના છોડ ઉગાડી ખેતીની શરુઆત કરી. શ્રીકાંતભાઈએ આ વર્ષે પોતાના ખેતરની 7 વિઘા જમીનમાં જીરેનીયમ છોડની વાવણી કરી અને ડીસ્ટિલેશન યુનિટ પણ ઉભુ કર્યું છે.
જેના દ્વારા જીરેનીયમનું તેલ કાઢી શકાય છે. જેનો કુલ ખર્ચો રૂપિયા 10 લાખ જેટલો થયો છે. આ પાકની દર ૩ થી ૪ મહીને કાપણી થાય છે અને ત્યાર બાદ એમાંથી તેલ કાઢવામાં આવે છે. જીરેનીયમ પાક કટિંગ કરી તેમાં પ્રોસેસ કરી સ્થળ પર ઓઇલ નિકાળી શકાય છે. જીરેનીયમ ઓઇલનો લીટરનો ભાવ 12 થી 14 હજાર રૂપિયા છે. અને શ્રીકાંતભાઈએ બે વિઘામાંથી 4.50 લાખની અત્યાર સુધી આવક મેળવી.અને હજુ પાંચ વિઘામાંથી ઉત્પાદન લેવાનું હજુ બાકી છે.
આ વિશે શ્રીકાંત પંચાલ કહે છે કે, મેં પહેલા બે વિઘમાં જીરેમિયમની ખેતી કરી હતી. જોકે હવે મેં 7 વિઘામાં તેનું વાવેતર કર્યું છે. જેનું તેલ ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે.
12 થી 14 હજાર રૂપિયે લિટર વેચાય છે આ તેલ
બનાસકાંઠાનાં ખેડૂતો નવા પાકો તરફ વળ્યા છે અને જીરેનિયમ જેવા સુંગધિત પાકોનું વાવેતર કરી રહ્યા છે. જેના તેલની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ માંગ છે. જેનો ઉપયોગ કોસ્મેટિક, સુગંધિત તેમજ ઔષધીય બનાવટોમાં થાય છે. જીરેનિયમ તેલનું વેચાણ 12 થી 14 હજાર રૂપિયા લીટરના ભાવે કરવામાં આવે છે. જેથી ખેડૂતને ખૂબ જ ફાયદો થાય છે અને બનાસકાંઠાની જમીન આ પાકને અનુકૂળ હોવાથી ખેડુતને ઓછી મહેનત કરવી પડે છે. આ પાકને વાવ્યા પછી દર ૩ થી ૪ મહિને એનું કટીંગ થાય છે અને ૩ વરસ સુધી આ પાક ઉત્પાદન આપે છે. આપણા વિસ્તારના ખેડૂતો માટે એક નવો પર્યાય તરીકે આ પાક ઉભો થઇ ગયો છે. આવા પાકોની ખેતી કરીને ખેડૂતો અન્ય પાકોની સરખામણીમાં વધારે આવક મેળવી શકાય છે.
આ પાક વિશે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ યોગેશ પવારનું કહેવું છે કે, આ ખેતી ડીસામાં પ્રથમવાર થઈ છે અને તે આ વિસ્તારમાં અનુકૂળ છે માટે ખેડૂતો આ ખેતી કરીને પોતાની આવક વધારી શકે છે.
કોસ્મેટિક બનાવવામાં વપરાય છે આ તેલ
આ પાકનું વાવેતર પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં થાય છે. જીરેનીયમના તેલની બજારમાં ખુબ જ માંગ છે. જેનું ઉપયોગ કોસ્મેટિક, સુગંધીત તેમજ ઔષધીય બનાવટોમાં થાય છે.
જીરણીયમનુ તેલ બજારમાં ૧૨૦૦૦-૧૪૦૦૦ રૂપિયા લીટર વેંચાતું હોવાથી અને ડીસામાં આ પાકની સફળ ખેતી થઈ હોવાથી શ્રીકાંતભાઈના ત્યાં જીરેમિયમની ખેતી જોવા અનેક ખેડૂતો આવી રહ્યા છે અને પોતે પણ આ ખેતી કરવાનો વિચાર બનાવી રહ્યા છે.
બનાસકાંઠાના ખેડુતો હંમેશા ખેતીમાં અનેક અલગ-અલગ પ્રયોગો કરતા હોય છે ત્યારે ગુજરાતમાં ડીસાના ખેડૂતે પ્રથમ પ્રયોગમાં જ આ ખેતી કરીને સફળતા મેળવતા હવે અન્ય ખેડૂતો પણ જીરેનીયમની ખેતી તરફ વળીને પોતાની ઇન્કમમાં વધારો કરશે.