ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે લાખો લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. તો કોરોનાની સામે રક્ષણ મેળવવા માટે ઘણા દેશોમાં વેક્સીનેશન શરૂ કર્યું છે. ત્યારે ભારતમાં પણ વેક્સીનેશનને વેગ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા લોકોને વેક્સીન લેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે.
આ નવા વેરિયન્ટનું નામ ઓમીક્રોન છે. તે અગાઉના વેરિયન્ટ કરતા વધારે ખતરનાક હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ઓમીક્રોમ વેરિયન્ટને લઇને રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. વિદેશથી ગુજરાતના એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ત્યારે ઓમીક્રોન વેરિયન્ટે સુરતની ચિંતામાં વધારો કર્યો છે.
એવી માહિતી મળી રહી છે કે, સુરતમાં વિદેશથી 119 લોકો આવ્યા છે. આ 119 લોકોમાં UKમાંથી 4, અમેરિકામાંથી 17, કેનેડામાંથી 6, ઓસ્ટ્રેલીયામાંથી 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. ઝોન વાઈઝ વાત કરવામાં આવે તો સુરતના સેન્ટ્રલ ઝોનમાં 14 લોકો વિદેશથી આવ્યા, વરાછા એ ઝોનમાં 10 લોકો વિદેશથી આવ્યા, વરાછા બી ઝોનમાં 14 લોકો વિદેશથી આવ્યા, કતારગામ ઝોનમાં 28 લોકો વિદેશથી આવ્યા, લિંબાયત ઝોનમાં 3 લોકો વિદેશથી આવ્યા, અઠવા ઝોનમાં 24 લોકો વિદેશથી આવ્યા, ઉધના ઝોનમાં 2 લોકો વિદેશથી આવ્યા, રાંદેર ઝોનમાં 24 લોકો વિદેશથી સુરતમાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાએ સર્તકતાના ભાગરૂપે વિદેશથી આવેલા તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. વિદેશથી આવેલા તમામ લોકોનો ફરીથી RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. મહત્ત્વની વાત છે કે, સુરતમાં ડર મહિને 4થી 5 હજાર જેટલા લોકો બેલ્શિય જાય છે. 2થી અઢી હજાર વેપારીઓ આફ્રિકા જતા હોય છે. તો બીજી તરફ હાલ લગ્ન પ્રસંગની સીઝન ચાલી રહી છે. તેથી વિદેશમાંથી પણ લોકો પ્રસંગમાં હાજરી આપવા માટે તેમના વતનમાં આવી રહ્યા છે.
આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં જ 18 હજાર લગ્નો છે અને તેમાંથી 7 હજાર લગ્નો સુરતમાં છે. ઓમીક્રોન વેરિયન્ટને લઇને દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. તો બીજી તરફ સુરતમાં હિન્રા ઉદ્યોગકારોએ હીરાની ખરીદી ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકાની હીરાની માઈન્સ કંપનીઓ સાથે 15 મિલિયન ડૉલરથી પણ વધુનો બિઝનેસ કરે છે. ઓમીક્રોન વાયરસને લઇને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.