કચ્છ: ભૂજોડીના ખેડૂત વેલજીભાઈએ છેલ્લાં 21 વર્ષથી બહારથી કોઈ પણ જાતનું ખાતર લેતા જ નથી ઉપરાંત કોઈ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો પોતાના ખર્ચે નિઃશુલ્ક અને તેના સ્થળ ઉપર યોગ્ય માર્ગદર્શન આપવા પણ જાય છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે ખેડૂત જો આ પ્રાકૃતિક ખેતી તરફ જો નહીં વળે તો દસ વર્ષ પછી તો કંઈ જ રહેશે જ નહીં એટલે બધા ખેડૂત મિત્રોને અપીલ પણ કરી હતી કે પ્રાકૃતિક ખેતી જ એક સારો વિકલ્પ છે છેલ્લા 21 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ જેમાં ક્યારે પણ અમને નુકસાની ગઈ નથી.
વેલજીભાઈની વાડીમાં કેસર કેરીની 22 એકરમાં ઓર્ગેનિક ખેતી છે જેમાં 4000 વૃક્ષ છે અને તમામ પ્રાકૃતિક ખેતીથી ઉછેરવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવાને લીધે અહીંના જમીનમાં અતિવૃષ્ટિ વાવાઝોડું કે અન્ય કોઈ પણ મુશ્કેલી ઊભી થતી નથી. ગમે એટલો વરસાદ પડ્યા પછી પણ ખેતરનું પાણી ખેતરમાં જ ઉતરી જાય છે એટલે પોલાણ વાળી જમીન હોવાથી તેમાં રસ પણ જળવાઈ રહે છે.
ભારત સરકાર દ્વારા વેલજીભાઇને 25થી 27મી ફેબ્રુઆરી 2021માં દિલ્હી ખાતે યોજાયેલ કૃષિ વિજ્ઞાન મેળામાં ઓર્ગેનિક ખેતી, ફૂડ પ્રોસેસિંગ તેમજ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા બદલ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા ઈનોવેટીવ ફાર્મર એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે.
વેલજીભાઈ દ્વારા અન્ય ખેડૂતોને પણ એ જ અપીલ કરવામાં આવે છે કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને સરકાર પણ આ અંગે જો યોગ્ય માર્ગદર્શન સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે તો ખેડૂતો માટે અને આમ જનતા માટે પણ ઓર્ગેનિક પાક મળી શકે. વેલજીભાઈ સાથે તેમના પરિવારના અન્ય 10 સભ્યો પણ આવી જ રીતે એમના સાથે આ ખેતીમાં જોડાયેલો છે અને આવી જ રીતે પ્રાકૃતિક ખેતી માટે તનતોડ મહેનત કરે છે અને પોતાનો વારસો સાચવી રહ્યા છે.
અહેવાલ: પંકજ જોષી કચ્છ