દેશમાં અને રાજ્યમાં નિયમો બધા લોકો માટે એક સરખા છે તેવું એક વકીલે પોલીસકર્મીને શીખવાડ્યું છે. પોલીસ દ્વારા પોતાની કારને નો-પાર્કીંગમાં ઉભી રાખવામાં આવી હતી અને કારમાં બ્લેક ફિલ્મ પણ લગાવવામાં આવી હતી. તેથી વકીલ દ્વારા જ આ પોલીસકર્મીને પણ ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડ ભરાવવામાં આવ્યો હતો. સ્થળ પર જ દંડની કાર્યવાહી વકીલે પોલીસને બોલાવીને કરી હતી.
રિપોર્ટ અનુસાર સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવી રહેલા કિરીટ નામના પોલીસકર્મી તેમની કાર રોડ પર નો-પાર્કિંગમાં પાર્ક કરીને એક દુકાન પર જઈ રહ્યા હતા. તે સમયે રસ્તા પર પસાર થતા એડવોકેટ મેહુલ બોઘરાનું ધ્યાન આ કાર પર ગયું. ત્યારબાદ તેઓ પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મીને ઉભા રાખીને કારમાં બ્લેક ફિલ્મ કેમ લગાવી છે તે બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસકર્મી કિરીટ દ્વારા જવાબ આવામાં આવ્યો હતો કે, આરોપીઓને પકડવા માટે આ કારમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવી છે. આ ઉપરાંત પોલીસકર્મી દ્વારા કારમાં નંબરપ્લેટ પણ લગાવામાં આવી નહોતી.
પોલીસકર્મી દ્વારા આર્ગ્યુમેન્ટ કરવામાં આવી હતી કે, કારમાં બ્લેક ફિલ્મ એટલા માટે લગાવવામાં આવી છે કે અમારે કોઈ આરોપીઓનું ડિટેકશન કરવાનું હોય તો તેના પર વોચ રાખવા માટે કલાકો સુધી કારમાં બેસી રહેવું પડે. તેથી બ્લેક ફિલ્મના કારણે આરોપીને કે પછી કોઈને ખબર ન પડે કે અમે તેના પર નજર રાખી રહ્યા છે. પોલીસકર્મીની આ દલીલ સાંભળીને એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસકર્મીએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હોવાના કારણે પોલીસકર્મીને દંડ ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસના એક પોલીસકર્મી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને પોલીસકર્મીની કારની વિગતો મેળવીને દંડની કાર્યવાહી કરી હતી.
પોલીસકર્મી કિરીટની કારમાં નંબરપ્લેટ લગાવવામાં આવી નહોતી, આ ઉપરાંત પોલીસકર્મી દ્વારા ગાડીમાં બ્લેક ફિલ્મ મારવામાં આવી હતી, પોલીસકર્મીની ગાડીની PUC પણ ન હતી, આ ઉપરાંત PSI કારને નો-પાર્કિંગમાં પાર્ક કરીને દુકાન પર ગયા હતા. આ તમામ ગુનાઓ સાથે પોલસીકર્મીએ રસીદ બનાવીને પોલીસકર્મી કિરીટની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. મહત્ત્વની વાત એ પણ છે કે, આ ઘટનામાં પોલીસની એક બેવડી નીતિ સામે આવી છે. કારણ કે સુરતમાં કે રાજ્યના કોઈ પણ શહેરમાં કોઈ બ્લેક ફિલ્મ લગાવેલી કારને ટ્રાફિક પોલીસ દ્વારા પકડવામાં આવે ત્યારે બ્લેક ફિલ્મને સ્થળ પર જ કાઢી નાંખવામાં આવે છે. પણ અહિયાં ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસકર્મી કિરીટની કારમાંથી બ્લેક ફિલ્મ કાઢવામાં આવી નહોતી. આ ઘટનામાં સ્થળ પર જ પોલીસકર્મીને 2000 રૂપિયાનો દંડ ભરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ પોલીસ હોવા છતાં પણ તેમને પોતાની કારની નંબરપ્લેટ આગળ લગાવવાના બદલે ડેકીમાં સંતાડીને રાખી હતી.
રસ્તા પર જ જયારે એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસને જ્યારે કાયદાના પાઠ ભણાવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં આસપાસ એકઠા થઇ ગયા હતા. બીજી મહત્ત્વની વાત છે કે, જે પોલીસકર્મી ચલાન બનાવવા માટે આવ્યા હતા. તે પોલીસકર્મી પણ બાઈક ચલાવતા સમયે હેલમેટ પહેર્યા વગર આવ્યા હતા.