‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકની તાજેતરની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. ઘનશ્યામ નાયક છેલ્લાં થોડાંક મહિનાથી સિરિયલમાં જોવા મળતા નથી. ઘનશ્યામ નાયકને કેન્સરને ઊથલો માર્યો હોવાથી તેની સારવાર કરાવતા હતા. વાઇરલ થયેલી તસવીરમાં ઘનશ્યામ નાયકમાં ઘણી જ નબળાઈ આવી ગઈ હોય તેમ લાગે છે.
કેન્સરને કારણે વજન ખાસ્સું ઘટી ગયું
‘તારક મહેતા..’ ફૅન ક્લબે 77 વર્ષીય ઘનશ્યામ નાયકની બે તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. આ તસવીર શૅર કરીને કહેવામાં આવ્યું છે, ‘નટુકાકાની હાલની તસવીરો, બિહાઇન્ડ ધ સીન્સ’ આ તસવીરમાં ઘનશ્યામ નાયકનું વજન ખાસ્સું ઘટી ગયેલું લાગે છે. આ ઉપરાંત તેમનું મોં જમણી સાઇડથી સહેજ ત્રાંસુ થઈ ગયું હોય તેમ જોવા મળે છે.
સો.મીડિયામાં વાઇરલ થયેલી તસવીરો…
જૂન મહિનામાં દીકરાએ કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કહી હતી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. જૂન મહિનામાં નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.
ઓપરેશનના છ મહિના બાદ ટેસ્ટમાં વાત સામે આવી
વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું.
કિમોથેરપી માટે કેમોપાર્ટ બેસાડ્યો
ઘનશ્યામ નાયકની ઉંમર 77 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.
કિમો સેશનની વચ્ચે ‘તારક મહેતા’નું શૂટિંગ કર્યું
કિમો સેશનની વચ્ચે ઘનશ્યામ નાયકે દમણ જઈને ટીવી સિરિયલ ‘તારક મહેતા…’નું શૂટિંગ કર્યું હતું. ઘનશ્યામ નાયક દીકરા વિકાસ સાથે અહીં શૂટિંગ માટે આવ્યા હતા. આ દરમિયાન શ્યામ પારેખ (પત્રકાર પોપટલાલ)નો જન્મદિવસ સેટ પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સેટ પર નટુકાકા માટે અલગથી કેક પણ મગાવવામાં આવી હતી. સેટ પર તમામે નટુકાકાની તબિયત જલદીથી સારી થઈ જાય એ માટે પ્રાર્થના કરી હતી. નટુકાકાના હજી બે કિમો સેશન બાકી છે.
ઘનશ્યામ નાયકે શું કહ્યું?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઘનશ્યામ નાયકે કહ્યું હતું, ‘તબિયત સારી છે, પરંતુ ફરીથી સારવાર શરૂ કરવામાં આવી છે. હાલમાં કિમોથેરપીનાં સેશન ચાલી રહ્યાં છે. ચાર મહિના પછી મેં ગયા અઠવાડિયે દમણમાં એક સ્પેશિયલ સીન શૂટ કર્યો હતો. બહુ જ મજા આવી. હાલના ટ્રેક પ્રમાણે, નટુકાકા પોતાના ગામમાં છે અને ત્યાંથી તે ફોન પર જેઠાલાલ સાથે વાત કરે છે. આ જ સિક્વન્સનું શૂટિંગ કરવા માટે એક દિવસ ગુજરાત ગયો હતો. હું મુંબઈમાં શૂટિંગ કરવાની રાહ જોઉં છું. હું ઘણો જ પોઝિટિવ છું.’