Thu. Nov 21st, 2024

કેમિકલ કાંડને લઈને બોટાદ, અમદાવાદ ગ્રામ્ય SPનું ટ્રાન્સફર, PSI સહિત 5 પોલીસ કર્મી સસપેન્ડ

લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 75થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ગૃહ વિભાગે SP કક્ષાના 2 અધિકારીઓની બદલી કરી છે તથા PSI સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ SP કરન રાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેંદ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે.

બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ધોળકાના DYSP એન.વી.પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરવાળાના PSI ભગીરથ સિંહ વાળા અને કરાયારાણપુરના PSI શૈલેન્દ્ર સિંહ રાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ધોળકા અને બોટાદમાં DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા DYSP એસ.કે.ત્રિવેદી (બોટાદ)ની ફરજ દરમિયાન આ વિસ્તારમાં ઝેરી કામિકલ યુક્ત દારૂનું મોટા પાયે બોટાદના બરવાળા, રાણપુર તાલુકો તથા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેચાણ થતાં ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે આશરે 42 (સત્તાવાર આંકડો) (બિનસત્તાવાર આંક 75) થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે તેમ છતાં તેમના કાર્યવિસ્તારમાં મોટા પાયે ઝેરી કેમિકલ યુક્ત દારૂની હેરાફેરી રોકવામાં તેમજ તેનું વેચાણ અને સેવનને રોકવામાં નિષ્ફળ રહ્યા છે જે તેમની ફરજમાં ગંભીર નિષ્કાળજી તેમજ નિષ્ઠાનો અભાવ દર્શાવે છે તેથી બંને DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા એસ.કે.ત્રિવેદી (બોટાદ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સસ્પેન્ડ કરાયેલ DYSP એસ.કે.ત્રિવેદી અને એન.વી.પટેલ ફરજ મોકૂફી દરમિયાન ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971ના નિયમ-15ની જોગવાઈ પ્રમાણે તેઓ કોઈ સ્થળે નોકરી સ્વીકારી શકશે નહીં કે ધંધો રોજગાર કરી શકશે નહીં. અને જો તેઓ ધંધો કે, રોજગાર કરતા પકડાશે તો તેઓની આવી વર્તણૂક નિયમો પ્રમાણે ગેરવર્તણૂક ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તથા તેઓ નિર્વાહભથ્થા અંગે દાવો કરી શકશે નહીં.

Related Post

Verified by MonsterInsights