દેશમાં છેલ્લા 24 કલાકમાં 4257 નવા કેસ નોંધાયા છે. આ આંકડો 8 માર્ચ બાદથી સૌથી મોટો છે. ત્યારે 4575 કેસ નોંધાયા હતા. આ મહિનામાં આ બીજી વખત છે જ્યારે નવા સંક્રમિતોની સંખ્યા 4 હજારને પાર થઈ ગઈ છે. આ પહેલા 2 જૂને દેશમાં 4041 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શનિવારે 15 દર્દીનાં મોત થયા હતા, જ્યારે 2612 લોકો સાજા થયા હતા. હાલમાં 22,691 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં 4.31 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. તેમાંથી 4.26 કરોડ સાજા થયા જ્યારે 5.24 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આપને જણાવી દઈએ કે, કોરોનાના સૌથી વધું કેસ કેરળમાં નોંધાઈ રહ્યા છે. અહીં શનિવારે 1465 લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 7 લોકોનાં મોત થયા હતા. જ્યારે 667 લોકો સાજા થયા હતા. હાલમાં અહીં 7427 એક્ટિવ કેસ છે એટલે કે આટલા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યમાં સૌથી વધું 9.87% પોઝિટિવીટી રેટ છે એટલે કે દર 100 ટેસ્ટમાંથી લગભગ 10 લોકો પોઝિટિવ મળી રહ્યા છે.
કોરોનાના કેસ મામલે પ્રથમ રહેલા મહારાષ્ટ્રમાં ફરી એક વખત સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. શનિવાર 1357 નવા દર્દીઓ મળ્યા, 595 સાજા થયા અને એક સંક્રમિતનું મૃત્યુ થયું. હવે અહીં 5888 એક્ટિવ કેસ છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.