અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘તૌકતે’ વાવાઝોડું સોમવારે મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પોરબંદર અને મહુવા (દીવના પૂર્વ ભાગમાં) ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા આ વાવાઝોડાની અસરને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અસર જોવા મળી હતી. વાવાઝોડાના લેન્ડફોલ થવાની પ્રક્રિયા ચાર કલાક સુધી ચાલી હતી.
૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા આ વાવાઝોડાથી વિશેષ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લામાં સૌથી વધુ અસર થઇ છે. વાવાઝોડાને પગલે વેરાવળ-જાફરાબાદ બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ લગાવાયું હતું. વાવાઝોડા અને ત્યારબાદના ભારે વરસાદની જ્યાં સૌથી વધુ અસર થવાની છે તેવા ૧૭ જિલ્લામાંથી ૧ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં એનડીઆરએફની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. આ ઉપરાંત એરફોર્સને પણ સ્ટેન્ડ બાયમાં રાખી દેવામાં આવી છે.
વાવાઝોડાને લીધે ગીર સોમનાથની આસપાસ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, જામનગર, રાજકોટ, વલસાડમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ટૌટે વાવાઝોડના આગમનના ૧૨ કલાક અગાઉ જ ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો થવાનું શરૃ થઇ ગયું હતું. ૨૧ જિલ્લાના ૮૪ તાલુકામાં ઝાપટા પડયા હતા જ્યારે ૬ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ‘તાઉ-તે’ વાવાઝોડું ત્રાટકતાં દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં ૧૫૦થી ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાને પગલે દરિયો ગાંડોતૂર થયો હતો અને દરિયામાં ૩ મીટર ઊંચા ઓછા મોજા ઉછળ્યા હતા.