રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા કપિલભાઈ ચૌહાણની 10 વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં એકલતાનો લાભ લઈને ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે પરિવાર સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રવિવારે નાનાવામાં રહેતા કૌટુંબિકને ત્યાં ધાર્મિંગ પ્રસંગમાં જવા તમામ લોકો તૈયાર થયા હતા. ખુશાલીને પણ આવવા જણાવ્યું તો તેને ના પાડી લીધી હતી. ત્યારબાદ પરિવાર કાર્યક્રમમાં નીકળી ગયો હતો. આ ઘટનામાં પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તે અવસરનો લાભ લઈને 10 વર્ષીય ખુશાલીએ આપઘાત કર્યો હતો. બેભાન હાલતમાં ખુશાલીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.
સાબરકાંઠાના હિંમતનગરમાં બે દિવસ પૂર્વે જ માત્ર વર્ષની બાળકીએ બારીની ગીલ સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કર્યાની સનસનીભરી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે ત્યાં રાજકોટમાં ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે સવાલ એ સર્જાય છે કે, આટલી નાનીવયે જિંદગી સમજવાના બદલે તેઓને એવી કેવી મુશ્કેલીઓ કે મજબૂરી નડી રહી છે કે તેઓ તેમના જીવ આપી રહ્યા છે. બાળકીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જોકે, આત્મહત્યા કયા કારણોસર કરવામાં આવી છે એ અંગે હજુ સુધી કોઇ વાત સામે આવી નથી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.