રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરે જે હાહાકાર મચાવ્યો છે, તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તેવામાં ત્રણ મહિના બાદ આજે આશાનું કિરણ દેખાયું છે. ત્રણ મહિના બાદ આજે પહેલી વખત રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યનામ કોરોના વાયરસના નવા 12,955 કેસ નોંધાયા છે. તો બીજી તરફ આજે 12,995 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમા 133 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જો કે ગઇકાલ કરતા મૃત્યુઆંકમાં આજે થોડો વધારો થયો છે, પરંતુ નવા કેસ કરતા સાજા થનારા લોકોની સંખ્યા વધતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 6,33,427 પર પહોંચી છે. જેમાંથી અત્યારે રાજ્યમાં 1,48,124 એક્ટિવ કેસ છે, જેમાંથી 792 દર્દી વેન્ટિલેટર પર અને 1,47,332 દર્દીની હાલત સ્થિર છે.
આજે ગુજરાતમાં નવા કેસ કરતા સાજા થનાર લોકોની સંખ્યામાં 40નો વધારો થયો છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,77,391 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. રાજ્યમાં અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે નોંધાઇ હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 7912 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.