રાજ્ય પોલીસવડાએ પોલીસના ગ્રેડ પે વધારાના આંદોલન મામલે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી કોમેન્ટ્સ અંગે પણ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.ગુજરાત પોલીસના કર્મચારીઓના ગ્રેડ પેમાં વધારો કરવાના આંદોલનમાં જોડાનારા રાજ્યના કુલ 229 પોલીસ કર્મચારીઓ સામે તપાસના આદેશ અપાયા છે. ઉપરાંત રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 10 ગુના દાખલ કરાયા છે, જેમાં પોલીસ કર્મચારીઓ સહિત કુલ 27નો સમાવેશ થાય છે.
રાજ્ય પોલીસવડાએ પોલીસના ગ્રેડ પે વધારાના આંદોલન મામલે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી કોમેન્ટ્સ અંગે પણ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. બીજી બાજુ પોલીસના પ્રશ્નોના નિરાકરણ કરવાના હેતુથી પોલીસ દાદ ફરિયાદ નિવારણ સમિતિ અમલમાં છે, જે મુજબ આજદિન સુધી રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં કુલ 298 દાદ ફરિયાદ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું . ઉપરાંત પોલીસજવાનોની રજૂઆતના નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 163 બેઠકોનંુ આયોજન કરી 488 સંવાદ આયોજન કરવા ઉપરાંત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે ચર્ચાવિચારણા કરવા 1689 જેટલા સંવાદ કાર્યક્રમો કરાયા છે.
રાજ્ય પોલીસવડાએ ગુરુવારે તમામને અપીલ કરી હતી કે, પોલીસ કે તેમના પરિવારને કોઈ રજૂઆત હોય તો આ બાબતે બનાવેલી સમિતિ સમક્ષ શિસ્ત વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ કરે નહીં. જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો તેની વિરુદ્ધ કાયદા હેઠળ ગુનો દાખલ કરાશે. જોકે આ બાબતે સૂચના આપી હોવા છતાં વિવિધ શહેર જિલ્લાઓમાં પોલીસ કર્મચારીઓ દ્વારા શિસ્તભંગ કરાયો છે, જે અનુસંધાને કુલ 229 પોલીસ કર્મચારી વિરુદ્ધમાં પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમ જ પોલીસ વિભાગના કર્મચારી તથા અન્ય વ્યક્તિઓ મળી કુલ 27 વિરુદ્ધ કુલ 10 ગુના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરાયા છે.