ગુજરાતમાં આતંકી ષડયંત્રની સામે રાજ્યની ATSને મોટી સફળતા મળી છે. પંદર વર્ષથી ફરાર ચાલી રહેલા બે આરોપીઓની જમ્મૂ કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે અને બંનેને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમા તેમણે આ ઓપરેશનમાં સામેલ પોલીસ જવાનોની પીઠ થાબડી હતી.
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું કે ગુજરાત પોલીસને આજે મોટી સફળતા મળી છે જેમા એક આરોપી અમદાવાદમાં બ્લાસ્ટનો આરોપી છે જ્યારે બીજો ગુજરાતમાં ચરસ ઘૂસાડવાનો આરોપી છે. વર્ષ 2006માં ગુજરાતનાં અમદાવાદ શહેરમાં આવેલ કાલુપુર સ્ટેશન પર અડધી રાતે દોઢ વાગે બ્લાસ્ટ થયો હતો જેમા એક વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે તપાસ કરવામાં સામે આવ્યું હતું કે કાશ્મીરથી LETના મોડ્યુલનાં આતંકવાદીઓ આ આતંકી હુમલાઓની પાછળ હતા. આતંકી હુમલા કરનારા નવ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે છેલ્લા 15 વર્ષથી બિલાલ કાશ્મીરી નામનો આરોપી ફરાર ચાલી રહ્યો હતો.
દિપેન ભદ્રનના નેતૃત્વમાં ગુજરાતનાં પોલીસ જવાનોની એક ટીમ જમ્મૂ કાશ્મીર પહોંચી હતી જ્યાં જમ્મૂ અને કાશ્મીર પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ કશ્મીરી નામનો આતંકી 2006માં ભરૂચમાં આવેલ મદરેસામાં ભણતો હતો અને તે બાદ તે લશ્કર એ તોયબા નામક ખૂંખાર આતંકવાદી સંગઠનમાં જોડાઈ ગયો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે આ તમામ આતંકવાદીઓને ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ આખી ઘટનામાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એક અન્ય એક આરોપી બશીર કાશ્મીરી નામક આતંકવાદી કાશ્મીરમાં એક એન્કાઉન્ટમાં ઠાર થયો હતો.