Mon. Dec 23rd, 2024

ગુલાબ વાવાઝોડાની અસર / 4 દિવસ નોંધપાત્ર વરસાદની આગાહી, ગુજરાત પર સર્જાયું શિયર ઝોન, જાણો વિગત

રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાત પર શિયર ઝોન સર્જાયું છે. આ કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

જણાવી દઈએ કે, શિયર ઝોન સર્જાવાના કારણે 4 દિવસ નોંધપાત્ર વરસાદ પડશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માહિતી અનુસાર ગુલાબ વાવાઝોડું હવે ડીપ્રેશન બન્યું છે અને તેની અસર ગુજરાત પર થઇ રહી છે.

આના કારણે ગુજરાત પર શિયર ઝોન સર્જાયું છે. ગુજરાતમાં ખાસ અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.જો કે રાજ્યમાં સરેરાશ 90 ટકા વરસાદ નોંધાયો છે અને હવે માત્ર 10 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ ઝોનના કારણે સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.


જણાવી દઈએ કે આજે સવારથી જ ઉત્તર ગુજરાત, અમદાવાદ તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. તેમજ આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની આગાહી પણ છે.

અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે. પરંતુ આજે મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉપરાંત અમદાવાદ, અમરેલી, કચ્છ, જૂનાગઢ કેશોદ જેવા વિસ્તારોમાં આજે વરસાદી પાણી વરસ્યા. જેના કારણે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા જોવા મળી.

Related Post

Verified by MonsterInsights