દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓને ક્લિનિકલ ટ્રાયલ બેઝીસ પર કોરોના વેક્સિન આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંગ્રહાલયોમાં ગુજરાતના એકમાત્ર જૂનાગઢ સ્થિત સક્કરબાગની પસંદગી કરવામાં આવી છે અને પ્રથમ તબક્કે 15 સિંહોને આ વેક્સિન અપાશે.
દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોના સંચાલકો અને રાજ્યના વન વિભાગને કેન્દ્રીય મંત્રાલય દ્વારા ક્લિનિકલ ટ્રાયલ માટે કહેવામાં આવ્યું છે. એ સાથે પ્રાણીઓને કોરોના સંક્રમણ થાય નહીં તેની તકેદારી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
અમેરિકા સ્થિત ન્યૂયોર્કના પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘને કોરોના વાયરસ થતાં થોડાં સમય પહેલાં વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવતા પ્રાણીઓની સુરક્ષા માટે વધારે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે અને પ્રાણીઓના વિસ્તારોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. એવી જ રીતે જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના એક અધિકારીએ કહ્યું હતું કે અમને સૂચના મળી છે પરંતુ ફાઇનલ ઓર્ડર હજી આવ્યો નથી. અમે તેની રાહ જોઇ રહ્યાં છીએ. ભારતના હૈદરાબાદ અને ચેન્નાઇમાં સિંહ અને વાઘ સહિતના જંગલી પ્રાણીઓમાં કોરોના પોઝિટીવ મળી આવ્યા પછી કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયે ક્લિનિકલ ટ્રાયલ બેઝીસ પર વેક્સિન આપવાનું નક્કી કર્યું છે. બીજીતરફ, હિસાર સ્થિત આઇસીએઆર-નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇક્વિન્સને પ્રાણીઓ માટેની વેક્સિન વિકસિત કરવાનું કહેવામાં આવ્યું છે.
અધિકારીએ કહ્યું હતું કે જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશના છ પૈકી એક એવું સંગ્રહાલય છે કે જ્યાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે વેક્સિનની અસરકારકતા ચકાસવા સિંહ અને દીપડા પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવનાર છે. આ સંગ્રહાલયમાં 70 સિંહ અને 50 દીપડા રહે છે. જો કે ટ્રાયલ માત્ર 15 સિંહ અને દીપડા પર કરવામાં આવશે અને બે ડોઝ વસ્ચેનું અંતર 28 દિવસનું રહેશે.
તેઓ કહે છે કે અમને કેન્દ્રીય વન મંત્રાલય તરફથી આ બાબતની જાણકારી મળી છે પરંતુ મંત્રાલય તરફથી અંતિમ મંજૂરી મળ્યા પછી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જૂન 2021માં ચેન્નાઇના વાંડાલુર સંગ્રહાલયમાં 15 સિંહોમાં કોરોના વાયરસ મળી આવ્ય પછી આ સૂચના આપવામાં આવી છે. જો કે મંજૂરી મળ્યા પછી અમે પસંદ કરેલા સિંહોની ઇમ્યુનિટી અને આરોગ્યની તપાસ કરીશું અને જો પરિણામ સાનુકૂળ રહેશે તો બીજા વધુ પ્રાણીઓ પર વેક્સિનનો પ્રયોગ કરાશે.